ભારતમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો સાથે ઈન્જેકશન, દવા અને ઓક્સિજનની અછત સૌથી મોટી સમસ્યા છે. હાલમાં કોરોનાને કારણે ફેફસામાં થઈ રહેલા ઈન્ફેકશનને કારણે ડોકટરો રેમડેસિવર ઈન્જેકશન મંગાવી રહ્યા છે. તેથી આખા દેશમાં ઈન્જેકશનની અછત સર્જાવા માંડી છે. ગુજરાતમાં પણ મોટા શહેરોમાં ઈન્જેકશન માટે દોડાદોડી કરવી પડી રહી છે. થોડા દિવસ પહેલાં બિહારના મુખ્યમંત્રી નીતિન કુમારે અમદાવાદ એરપોર્ટ પર વિમાન મોકલી ગુજરાતમાંથી ૧૪,૦૦૦ રેમડેસિવિર ઈન્જેકશન બિહાર મંગાવ્યા હતા. જે બાદ હજી ૩૦ એપ્રિલ સુધીમાં ભારતના બીજા ૧૦ને ગુજરાતમાંથી ૧,૯૩,૪૦૦ ઈન્જેક્શનનો પુરવઠો મોકલવામાં આવનાર છે. ભારત સરકારે દરેક રાજ્યો માટે ક્વોટા ફિક્સ કરી આપ્યો છે.
ભારતમાં રેમડેસિવિર ઉત્પાદન કરતા ગુજરાત, મહારાષ્ટ્ર અને છેલ્લે કર્ણાટક છે. ગુજરાતમાં રેમડેસિવિર ઈન્જેક્શનનું ઉત્પાદન ઝાયડ્સ કેડિલા કંપની કરે છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે ૨૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ એમ ૧૦ દિવસમાં આ કંપની દ્વારા ઉત્પાદન થનારા ૩,૨૭,૪૦૦ રેમડેસિવિર ઈન્જેક્શનમાંથી ગુજરાતને ૧,૨૦,૦૦૦ ફાળવીને બાકીના ૨,૦૭,૪૦૦ ઈન્જેક્શન ૧૧ રાજ્યોને આપવાનો આદેશ કર્યો છે. સરકારે કરેલી ફાળવણી મુજબ દિલ્હીને ૨૦,૪૦૦ વાયલ, મધ્યપ્રદેશને ૧૫,૦૦૦, મહારાષ્ટ્રને ૫૦,૦૦૦, રાજસ્થાનને ૧૦,૦૦૦, તમિલનાડુને ૨૦,૦૦૦ તથા ઉત્તરપ્રદેશને ૫૦,૦૦૦, ઉત્તરાખંડને ૭,૦૦૦, પશ્ચિમ બંગાળને ૧૦,૦૦૦, ઓરિસ્સાને ૧,૦૦૦, બિહારને ૧૪,૦૦૦ તથા ઝારખંડને ૧૦,૦૦૦ વાયલ મળનાર છે. જો કે, અત્યાર સુધીમાં ગુજરાતમીંથી બિહારે વિમાન મોકલીને ૧૪,૦૦૦ વાયલ લઈ લીધા છે. ગુજરાતને માત્ર ૧,૨૦,૦૦૦ વાયલ જ મળનાર છે. જો કે, તેની માંગ વધુ છે. તેથી મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવા એમ બીજા રાજ્યોમાંથી બીજી કંપનીઓના ૪૩,૫૦૦ જેટલા ઈન્જેક્શનન મેળવી શકાશે. કુલ મળીને ભારત સરકારે ગુજરાતને ૩૦ એપ્રિલ સુધીમાં ૧,૬૩,૫૦૦ વાયલ આપવાનો નિર્ણય કર્યો છે.