અરબી સમુદ્રમાં લોપ્રેશરની સ્થિતિ બાદ સર્જાયેલા તૌકતે વાવાઝોડાનો ખતરો ભારતના અનેક રાજ્યોમાં પર મંડરાઈ રહ્યો છે. સોમવાર અને મંગળવાર સુધીમાં આ વાવાઝોડું સંભવત ઃ ગુજરાત મહારાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારને ભારે પ્રભાવિત કરી શકે તેમ છે. જેથી સરકારી તંત્રને હાઈએલર્ટ કરી દેવાયું છે. દેશમાં દક્ષિણ-પશ્ચિમ રાજ્યોમાં સંભવિત વાવાઝોડાને પગલે લોકોના સ્થળાંતર સુધીની તૈયારી કરી દેવાઈ છે. ગુજરાતના કચ્છમાં વાવાઝોડાથી થનારા નુકસાનને ધ્યાનમાં રાખીને તંત્રને સાબદું કરી દેવાયું છે. દરિયાકિનારાના વિસ્તારોના માછીમારોને સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશઓ જારી કરી દેવાયા છે. કેરળ, કર્ણાટક અને ગોવામાં તબાહી મચાવ્યા બાદ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેથી આ વિસ્તારોમાં પવન ફુંકાવા સાથે જોરદાર વરસાદ રવિવારે થયો હતો.
જ્યારે અનેક વૃક્ષો જમીનદોસ્ત થવા સાથે ઘરોમાં પણ નુકસાન થયું છે. અત્યાર સુધીમાં વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં 11 લોકોના મોત થયાના અહેવાલો છે. ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં સોમવારે સાંજ સુધીમાં ભારે વરસાદના એંધાણ છે. સંકટને પહોંચી વળવા માટે NDRFની 50 ટીમો તૈનાત કરાઈ છે. ગોવામાં પણ તોફાને કહેર વરસાવ્યો છે. અલગ-અલગ અકસ્માતોમાં 2 લોકોના મોત થયા છે. એક અકસ્માતમાં બાઇકસવાર પર વીજળીનો થાંભલો પડ્યો હતો. જ્યારે બીજા અકસ્માતમાં વૃક્ષ પડવાથી એક વ્યક્તિનું મોત થયું હતુ. કેરળમાં પણ વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. કેરળમાં વાવાઝોડાના કારણે 2 લોકોના મોત થઈ ગયા છે. અલપ્પુઝામાં ભારે વરસાદના કારણે નીચેના વિસ્તારોમાં પાણી ભરાયા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડું તૌકતે 17 મેની સાંજે અથવા 18 મેના રોજ ગુજરાતના દરિયાઈ તટ વિસ્તારમાં ટકારશે. આ વાવાઝોડું વધુ ખતરાનાક થઈ શકે છે. અને તેની અસર 24 કલાક સુધી વર્તાઈ શકે છે. 18 મેના રોજ સવાર સુધીમાં વાવાઝોડું પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાત દરિયાકિનારાને પસાર કરશે. બીજી તરફ મુંબઈમાં વાવાઝોડાની અસરરુપે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. પશ્ચિમી મુંબઈમાં એનડીઆએફની 3 ટીમો અને પૂરથી પ્રભાવિતોને બચાવવા માટે ફાયર બ્રિગેડની 6 ટીમો પણ તૈનાત રખાય છે. જો કે, અહીં વરસાદને લઇને ઑરેન્જ એલર્ટ જાહેર થઈ ચુક્યું છે. મુંબઈના વડાલામાં રવિવારે રાતથી જ સુસવાટા સાથે પવન ફુંકાવાની શરુઆત થાય બાદ ધીમે ધીમે વરસાદની શરૃઆત થઈ હતી. વાવાઝોડાના ખતરાની વચ્ચે મુંબઈમાં 5 જગ્યાએ અસ્થાયી શેલ્ટર બનાવાયા છે.