12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે રૃપાણી સરકારે એક નિર્ણય કર્યો છે. આ ધોરણના વિદ્યાર્થીઓ માટે આગામી સમયમાં પરીક્ષા યોજનાર છે. જે માટે શુક્રવારથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ થઈ ગઈ છે. કોરોનાને કારણે શાળાઓ 11 મહિના સુધી બંધ રહેતા આજે પણ મોટાભાગના ધોરણના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. દરમિયાન શિક્ષણ વિભાગે માર્ચ આસાપાસ બોર્ડની પરીક્ષા યોજવા તૈયારી શરૃ કરી દીધી છે. ધો.10 તથા 12 અને કોલેજમાં પણ વર્ગ શરૃ કરી દેવાયા છે. દરમિયાનમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આગામી બે મહિનામાં યોજાનાર છે. તેથી તે માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. GSEBના જણાવ્યા પ્રમાણે ગુજરાતની તમામ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વહિવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને આ વિશે સુચના મોકલી અપાય છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ વર્ષ 2021ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદન ઓનલાઈન GSEBની વેબસાઈટ પર ભરી શકાશે. બોર્ડના જણાવ્યા મુજબ આ અંગે વધુ વિગતો મેળવવા માટે વાલી કે વિદ્યાર્થી કે શાળાના શિક્ષકો બોર્ડની વેબસાઈટ gseb.org સાથે પણ જોડાઈ જઈ શકે છે.
શુક્રવારથી ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પ્રક્રિયા શરૃ કરાઈ હતી. પરીક્ષા માટે હવે એક મહિના સુધી ફોર્મ ભરી શકાશે. આ વખતે રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓને પણ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. GSEBના પરીક્ષા ફોર્મ માટે વિદ્યાર્થીઓ કે વાલીઓ પુરતી વિગતો ફોર્મમાં ભરે તેવી તાકીદ કરાઈ છે. રેગ્યુલર અને રિપિટરે ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવું પડશે. આ ઉપરાંત બોર્ડે જણાવ્યું છે કે, યાદીમાં રેગ્યુલર ફી સાથે 21 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી રાતના 12 વાગ્યા સુધી બોર્ડની વેબસાઈટ પર ફોર્મ ભરાયા હોય તેને માન્ય રખાશે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના તમામ નિયમિત અને રિપિટર વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવાની સુચનાથી વિદ્યાર્થીઓ વાલીઓ હવે તે પ્રક્રિયામાં જોડાશે.