સોમવારે અષાઢી બીજને પગલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી હતી. જો કે, આ વખતે કોરોનાને પગલે કડક શરતો આધીન મંજૂરી મળી હતી. 2020માં કોરોનાને કારણે જ આ યાત્રા યોજાઈ શકી ન હતી. સોમવારે રથયાત્રાને પગલે આખો સરસપુર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અષાઢી બીજે ભગવાન જગન્નાથ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતુ. આ પૂર્વે અમદાવાદમાં રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન વહેલી સવારે મંદિર પરિસરમાં કરાયું હતુ. રાજ્યના મુખ્ય મંત્રી સીએમ રૂપાણીને સતત પાંચમી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ વિધિમાં ખાસ હાજર રહ્યા હતા. આ અવસરે અમદાવાદના મેયર કિરીટ પરમાર, મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને અન્ય આગેવાનોએ જગન્નાથજીના દર્શન-અર્ચન કર્યા હતા. તમામ મહાનુભાવોએ પણ ભગવાન જગન્નાથના દર્શન કરીને દેશ અને ગુજરાતમાંથી કોરોના મહામારી જલ્દી દૂર થાય તે માટે પ્રાર્થના કરી હતી.
રૂપાણીએ રથની અને રથ યાત્રાના મંદિરથી પ્રસ્થાન માર્ગની સોનાની સાવરણીથી સફાઈ કરી હતી. આ સાથે પહિંદ વિધિ સંપન્ન થયા બાદ રથયાત્રાનું પ્રસ્થાન થયું હતુ. વિજય રુપાણીએ કચ્છી નૂતન વર્ષ અવસરે કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને શુભેચ્છાઓ આપી હતી. તેઓએ કહ્યું હતુ કે, કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે કોવીડ પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા યોજાઈ છે. ભક્તો ઘરે બેઠા દર્શનનો લહાવો લઈ શકે તે માટે તમામ વ્યવસ્થાઓ કરાઈ છે. ભગવાન જગન્નાથ દેશ અને ગુજરાતને કોરોના મહામારીમાંથી મુક્ત કરાવે તે માટે અમે તેમને પ્રાર્થના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિચારને પગલે કચ્છ જિલ્લામાં નર્મદાનું એક મિલિયન એકર ફીટ પાણી મળે તે પ્રમાણેનું આયોજન હાથ ધરાયું છે. નર્મદાના પાણી હવે કચ્છને મળતા થશે. સીએમના સંબોધન બાદ ભગવાન જગન્નાથ અને સુભદ્રાજી તથા બલભદ્રના રથે શહેરમાં પ્રસ્થાન કર્યું હતુ.