પતિની હત્યા મામલે ઈરાનમાં દોષિત પુરવાર થયેલી મહિલાને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. જે બાદ તે મહિલાને ફાંસીની સજા આપવા કાર્યવાહી કરાઈ હતી. આ સમયે હૃદયરોગનો હુમલો આવતા તેણીનું મૃત્યુ થયું હતું, જો કે, આમ છતાં ઈરાનની સરકારે મહિલાના મૃતદેહને પણ ફાંસીએ લટકાવ્યો હતો. વકીલના જણાવ્યા પ્રમાણે આ મહિલાના મૃતદેહને પણ સ્થાનિક સત્તાવાળાઓએ ફાંસી પર લટકાવીને કોર્ટના આદેશનું પાલન કરવામાં આવ્યું હતું. મીડિયાના અહેવાલો પ્રમાણે ઈરાનના રજાઈની શહર જેલમાં ઝહરી ઈસ્માઈલી નામની મહિલા તેના પતિની હત્યાના કેસમા જ દોષી ઠરીને કેદી બની હતી. આ મહિલા ફાંસીની સજા માટે પ્રતિક્ષા યાદીમાં હતી. જહરાનો પતિ તેણી સાથે ખૂબ જ ખરાબ વર્તણુંક કરતો હતો. મહિલા પોતાને તથા પોતાની દિકરીને બચાવવા માંગતી હતી. તેથી તેણીએ તેના પતિની હત્યા કરી નાંખી હતી. જહરાનો પતિ ઈરાનના ગુપ્તચર વિભાગમાં કામ કરતો હતો. મહિલાને તેના પતિ અલીરેજા જમાનીની હત્યા માટે દોષિત ઠેરવાઈ હતી. ઈરાનની એક કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી હતી.
ઈરાનના કાયદા કાનૂન પ્રમાણે તે સમયે 16 દોષિતોને ફાંસી આપવા કાર્યવાહી થઈ રહી છે. તેહરાનથી 32 કિમી દૂર એક જેલમાં જહરા તથા 16 પુરુષોને ફાંસી આપવામાં આવી હતી. આ સમયે 16 દોષિતોની ફાંસીને જોઈને આરોપી ઝહરી ઈસ્માઈલી ખૂબ જ ગભરાઈ ગઈ હતી. જેને કારણે તેને હૃદય રોગનો હુમલો આવતા તેનું મોત નિપજ્યું હતુ. આમ છતાં જહરા ઈસ્માઈલીના વકીલના કહેવા પ્રમાણે મહિલાના પતિની માતાને ખુશ કરવા માટે દોષિત મહિલાના મૃતદેહને ફાંસી પર લટકાવવામાં આવ્યો હતો. વકીલનું કહેવું છે કે, જહરાને ફાંસી આપવા માટે લાઈનમાં ઉભી રાખવામાં આવી હતી અને તેની આગળ ફાંસીની સજા પામેલા 16 પુરુષ હતા. પુરુષોને ફાંસી આપવાની ઘટના જોવા જહરાને મજબૂર કરાઈ હતી. આ સમયે બીજા આરોપીને લટકતા જોઈને તેણી ગભરાઈ જતાં તેને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેની સાસુના આગ્રહને કારણે જહરાના મૃતદેહને ફાંસી પર લટકાવવામાં આવ્યો હતો.