ઈઝરાયેલમાં શુક્રવારે મોડી રાતે અલ-અક્સા મસ્જિદ સંકુલ ખાતે અથડામણની ઘટના સર્જાઈ હતી. અહીં પેલેસ્ટાઇનના શ્રદ્ધાળુ અને ઇઝરાયેલની પોલીસ વચ્ચે કોઈ વાતે વિવાદ થયો હતો. જે બાદ વાત વણસી જતાં બંને પક્ષે ઘર્ષણ થયું હતુ. પોલીસ અને પેલેસ્ટાઇનના શ્રદ્ધાળુ વચ્ચે સર્જાયેલી આ અથડામણમાં ૧૬૦ લોકોને ઈજા થયાના અહેવાલો છે. ઈઝરાયેલમાં આવેલી અલ અક્સા મસ્જિદને મુસ્લિમ અને યહૂદીઓનું પવિત્ર સ્થળ મનાય છે. ઇસ્લામ ધર્મમાં અલ-અક્સા મસ્જિદને દુનિયાના ત્રીજા ક્રમના પવિત્ર સ્થાન તરીકે ઉલ્લેખ કરાયો છે. જયારે યહૂદી માન્યતા મુજબ અહીં પ્રાચીન કાળમાં બે દેવસ્થાનો હતા. જેને કારણે આ સ્થળ યઝુદી લોકો માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. દરમિયાન રમજાન માસના છેલ્લા શુક્રવારે અલ-અક્સા મસ્જિદ સંકુલ અને પૂર્વ જેરુસાલેમમાં અથડામણની ઘટના ઘટી હતી. જેમાં પેલેસ્ટાઇનના શ્રદ્ધાળુઓએ પોલીસ પર પથ્થરમારો કરીને બાટલીઓ અને વિસ્ફોટકોનો મારો ચલાવ્યો હતો.
શુક્રવારે અલ-કુદ દિવસે તંગદિલીની સ્થિતિ બાદ સરકારે પણ હરકતમાં આવી પોલીસ અને પ્રશાસનને તમામ પગલા માટે છુટો દોર આપી દીધો હતો. જે બાદ સ્થિતિને થાળે પાડવા માટે ઇઝરાયેલ પોલીસે રબર બુલેટ અને સ્ટન ગ્રેનેડથી જવાબ આપ્યો હતો. અથડામણની આ ઘટનામાં પેલેસ્ટાઇનના ૧૬૩ શ્રદ્ધાળુ અને પોલીસના છ જવાનોને ઈજા થઈ હતી. સાંજે નમાજ પુરી થયા બાદ હજારો પેલેસ્ટાઇનીઓ રસ્તા પર ઉતરી પડ્યા હતા. અને આ ટોળાએ તોફાન મચાવવાનું શરુ કરી દીધું હતુ. આખરે પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. સુત્રોના જણાવ્યા મુજબ રમજાન મહિના દરમિયાન ઇઝરાયેલના સત્તાધીશોએ જૂના શહેરમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો. તેને કારણે નારાજ થયેલા લોકોના ટોળાએ તોફાન કરતા જેરુસાલેમમાં હિંસા વકરી હતી. આ સાથે જ શાસકોએ આકરા પગલા લેતાં વસાહતો ખાલી કરવા આદેશ કરી દીધો હતો. જેને કારણે પણ તંગદિલી વધી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, અલ-કુદ દિવસે પેલેસ્ટાઇન તરફીઓ રેલી યોજે છે. ઇઝરાયેલના કટ્ટર શત્રુ ઇરાન ખાતે પણ આ દિવસે રેલી યોજાય છે. દુનિયાના મુસ્લિમ વસ્તી ધરાવતા મોટાભાગના દેશમાં આ પ્રકારની રેલીનું આયોજન કરાય છે, જેમાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાંથી હજારો લોકો જોડાય છે.