આગ્રા કમલાનગરમાં મણપ્પુરમ ગોલ્ડ લોનની ઓફિસમાં શનિવારે ધોળા દિવસે ત્રાટકેલા 6 લૂંટારૂઓ 17 કિલો સોનું અને પાંચ લાખ રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. આગ્રા કમલાનગરમાં સેન્ટ્રલ બેંક રોડ પર મણપ્પુરમ ગોલ્ડ લોનની ઓફિસ વર્ષોથી ચાલી આવી છે. શનિવારે બપોરે આ ઓફિસમાં રાબેતા મુજબ કામકાજ ચાલી રહ્યું હતુ. તે સમયે અચાનક કેટલાક શખ્સો હથિયાર સાથે ઓફિસમાં ધસી આવ્યા હતા. ચાર લૂંટારૂઓ અંદર પ્રવેશ્યા. તેઓએ કર્મચારીઓને હથિયાર બતાવીને ગોળી મારવાની ધમકી આપી. બાદમાં કર્મચારીઓને બંધક બનાવ્યા. ચારથી છ લૂંટારૂઓ હોવાનું કહેવાઈ રહ્યું છે. ઓફિસના કર્મચારીઓ હજી કંઈ સમજે તે પહેલાં જ આ શખ્સોએ હથિયાર બતાવીને સૌને ધમકાવ્યા હતી. જે બાદ તેઓએ સોનું અને રોકડ રકમની લૂંટ કરી હતી. લૂંટારૂઓએ ઓફિસમાં રાખવામાં આવેલા સોનાના દાગીના લઈ લીધા હતા. આ ઉપરાંત ઓફિસમાં રાખવામાં આવેલા પાંચ લાખ રૂપિયાથી વધારાની રોકડ પણ કર્મચારી પાસે જબરદસ્તી ઝૂંટવી લીધી હતી. માત્ર 20 જ મીનિટમાં આ લુંટારુંઓ ઘટનાને અંજામ આપીને રફૂચક્કર થઈ ગયા હતા. લૂંટારૂઓ ઓફિસના કર્મચારીઓને અંદર જ બંધ કરીને જતા રહ્યાં હતા. ઘટના બાદ ઓફિસના કર્મચારીઓએ અલાર્મ વગાડતા થોડા સમયમાં આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા. જે બાદ તેઓએ ઓફિસનો દરવાજો ખોલી કર્મચારીઓને બહાર કાઢ્યા હતા. આખરે ઓફિસના મેનેજરે લૂંટની ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ તરત જ સ્થળ પર ધસી આવી હતી. ધોળા દિવસે થયેલી આ લૂંટની ઘટનાથી સમગ્ર આગ્રા જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. આ સાથે જ યુપી પોલીસની હાકધાક સામે પણ સવાલો ઉભા થયા છે. લુંટારુઓનું પગેરું મેળવવા પોલીસ અધિકારીઓએ સીસીટીવી ફૂટેજની મદદ લીધી છે. બિનસત્તાવાર રીતે પોલીસે બે લૂંટારૂઓને ઝડપી પાડ્યાં હોવાનું જાણવા મળ્યું છે. લૂંટની આ ઘટનાનો ભેદ ટુંક સમયમાં જ ઉકેલાઈ જશે તેવો દાવો પોલીસના અધિકારીઓએ કર્યો હતો.