19મી જુલાઈના રોજ અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર તાત્યા પટેલ નામના નબીરાએ જગુઆર કાર વડે બ્રિજ પર હાજર લોકોને કચડી નાખ્યા હતા. જેમાં 9 નિર્દોષ લોકોના મોત થયા હતા. અકસ્માતની આ ઘટનામાં પોલીસે તાત્યા પટેલની ધરપકડ કરી હતી. તમામ પુરાવા એકત્ર કર્યા બાદ આજે અમદાવાદ કોર્ટમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જેથી આ મામલે પોલીસ તરફથી કોઈ કડી ન રહી જાય.
તમામ પાસાઓની કાળજીપૂર્વક અને સંપૂર્ણ તપાસના પરિણામે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસ દ્વારા અત્યાર સુધીની સૌથી ઝડપી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. અમદાવાદ કોર્ટમાં એસીપી એસ.જે. મોદી અને પીઆઈ વી.બી. દેસાઈ ચાર્જશીટ લઈને આવ્યા હતા. કોર્ટમાં ચાર્જશીટ રજૂ થયા બાદ અમદાવાદના ઈન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીર સિંહે કહ્યું કે અમદાવાદ પોલીસ માટે આ એક પડકારજનક કેસ છે. આ કેસના તમામ તપાસ અધિકારીઓ રાત-દિવસ એક થઈ ગયા છે. તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે.