ભારતના એક પડોશી દેશ મ્યાંમારમાં લોકતંત્રને ફરી ટૂંપો દેવાઇ ગયો છે. સૂ કીની સરકારને ઉથલાવીને લશ્કરે ફરી બળવો કર્યો છે અને ત્યાં હવે સૈન્ય શાસન લાગુ થઇ ગયું છે, જેની સામે ફરીથી જનાક્રોશ ભડકી ઉઠ્યો છે. રવિવારે ત્યાં થયેલા વિરોધ પ્રદર્શન ઉપર પોલીસે ગોળીબાર કરતાં 18 પ્રદર્શનકારીઓના મોત થયા હતા. ગઇ પહેલી ફેબ્રુઆરીએ મ્યાંમારમાં સૈન્યે બળવો કર્યો હતો અને સૂ કીની સરકારને ઘરભેગી કરી દઇને સત્તા ઉપર કબ્જો જમાવી દીધો હતો, ત્યારથી વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયા છે. અઠવાડિયાઓ સુધી શાંતિથી વિરોધ પ્રદર્શન યોજાતા રહ્યા છે. હવે ગયા રવિવારે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા લોકો ઉપર પોલીસે બળપ્રયોગ શરૂ કર્યો હતો. સોશ્યલ મીડિયા ઉપર પોસ્ટ થયેલા વીડિયોમાં રસ્તા પર ઠેર ઠેર રોડ બ્લોક જોવા મળી રહ્યા છે અને લોકોને પોલીસ ભગાડી રહી છે. કેટલાય લોકો લોહીથી લથપથ જોવા મળી રહ્યા છે. રવિવારે જ મ્યાંમારના સૈન્ય શાસકોએ સંયુક્ત રાષ્ટ્ર ખાતેના રાજદૂતને મ્યાંમારમાંથી સૈન્યને સત્તા પરથી હટાવી લેવા કરેલા નિવેદનને પગલે તેમને હાંકી કાઢ્યા છે.
રવિવારે યંગૂન, માંડલે અને અન્ય શહેરોમાં સુરક્ષાદળોના સખ્ત વલણ છતાં ઠેર ઠેર મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન યોજાયા હતા. વિરોધ દબાવી દેવા માટે સુરક્ષાદળોએ ગોળી છોડવા તથા ટીયર ગેસનો બેફામ ઉપયોગ કર્યો હતો. એ દરમ્યાન કેટલાય દેખાવકારો ગોળીનું નિશાન બની ગયા હતા. મળતા હેવાલ મુજબ પોલીસે કરેલા ગોળીબારમાં 18 દેખાવકારોના મોત થયા છે, જ્યારે અન્ય કેટલાય લોકો ઘાયલ થયા છે. મ્યાંમારોના શાસકોએ જણાવ્યું હતું કે, તેમણે સૈન્યના વિરોધમાં વાત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર ખાતેના પોતાના રાજદૂત ક્યૉ મો તુનને હાંકી કાઢ્યા છે. એક દિવસ પહેલાં સંયુક્ત રાષ્ટ્રમાં મ્યાંમારના રાજદૂતે સેનાને સત્તામાંથી કાઢવા માટે મદદની માંગણી કરી હતી. જો કે બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર સંઘે એવી સ્પષ્ટતા કરી છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે મ્યાંમારની સૈન્ય સત્તાને તેણે મંજુરી આપી ન હોય તુન તેના રાજદૂત તરીકે ચાલુ રહેશે.
યંગૂન, માંડલે અને દબેઇ શહેરમાં પોલીસે અસલી ગોળી ચલાવવાની સાથે સાથે રબરની ગોળી તથા ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો છે. યંગૂનમાં ચાર લોકોના મોત થયાના સમાચાર છે. એક હેવાલ મુજબ સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 850 લોકોને ગિરફતાર કર્યા છે. દેખાવકારોમાં સમાજના તમામ વર્ગોના લોકો સામેલ છે. દરેક વયના લોકોએ દેખાવોમાં ભાગ લઇને સૂ કીને છોડી મુકવાની માંગણી કરી છે. યંગૂનમાં તો સૈન્યે વિરોધ પ્રદર્શન કચડી નાંખવા માટે ગોળી ચલાવવા ઉપરાંત સ્ટન ગ્રેનેડનો પણ ઉપયોગ કર્યો હતો. દવેઇ કસ્બામાં ચાર લોકોના મોત થયા હતા. ગોળી વાગવાને કારણે તેમના મોત થયા હતા.