ભારતના પૂર્વ ક્રિકેટર અને 1983 વિશ્વ વિજેતા ટીમના ખેલાડી રહેલા યશપાલ શર્માનું મંગળવારે સવારે હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતુ. આ સાથે જ ભારતીય ક્રિકેટઆલમમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. 66 વર્ષની ઉંમર ધરાવતા યશપાલ શર્માએ ભારતીય ટીમના સભ્ય તરીકે કુલ 37 ટેસ્ટ મેચ રમી હતી. જેમા તેમણે લગભગ 34ની સરેરાશથી 1606 રન બનાવ્યા હતા. આ ઉપરાંત 42 વન ડે મેચમાં યશપાલ શર્માએ 883 રન કર્યા હતા. તેઓ 1983માં ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર ટીમના સભ્ય હતા. બાદમાં તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં સિલેકટર તરીકે સેવા આપી રહ્યા હતા. 1983 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને જીતની શરૂઆત કરી હતી. જેમાં યશપાલ શર્માની મહત્વની ભૂમિકા રહી હતી. જ્યારે તેઓ ક્રિઝ પર ઉતર્યા ત્યારે ટીમનો સ્કોર 3 વિકેટે 76 રન હતો. ત્યારબાદ પાંચ વિકેટ ઉપર 141નો સ્કોર થયો હતો. આ સમયે શર્માએ 120 બોલમાં 89 રનની ઈનિંગ રમી શાનદાર દેખાવ કર્યો હતો.
આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આક્રમક 40 રન અને તે પછી ઈંગ્લેન્ડ વિરુદ્ધ 61 રનની ઈનિંગ રમી હતી. 37 ટેસ્ટ અને 42 વનડે મેચ રમનાર યશપાલ 1983 વર્લ્ડકપમાં ભારતની તરફથી સૌથી વધુ રન બનાવનારમાં બીજા નંબર પર હતા. શર્માએ ટુર્નામેન્ટમાં 34.28ની સરેરાશથી 240 રન કર્યા હતા. આખરે ભારતીય ટીમ ફાયનલ સુધી પહોંચી અને 1983ની ચેમ્પિયન બની હતી. શર્માના નિધનના સમાચાર જાણી ભારતીય ક્રિકેટ ટીમના માજી કેપ્ટન કપિલ દેવ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. થોડાંક સપ્તાહ પહેલાં જ તેમની યશપાલ સાથે મુલાકાત થઇ હતી. કપિલ દેવે કહ્યું કે મને તો હજી પણ લાગી રહ્યું છે કે આ સાચું નથી. શર્મા ખૂબ જ સારા સ્વભાવના હતા. થોડાંક દિવસ પહેલાં જ તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વર્લ્ડ કપની એક ક્લિપ પણ શેર કરી હતી જેમાં તેમણે ઇંગ્લેન્ડની સામે મેચમા શાનદાર જીતની યાદ અપાવી હતી. પૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકરે શર્માના નિધનના સમાચાર બાદ કહ્યું હતુ કે, થોડાંક સપ્તાહ પહેલાં જ યશપાલને મળ્યા હતા અને તેઓ ઘણા ફિટ દેખાતા હતા.