સુરત શહેર મેયરનો મોંઘોદાટ બંગલો હવે ફરી વિવાદમાં આવ્યો છે. મેયર હેમાલી બોઘાવાલાના ઘરનો ખર્ચ પ્રજાના માથે પડી રહ્યો હોવાનું સામે આવ્યું0 છે. 5 કરોડના ખર્ચે તૈયાર થયલા ઘરનું મેઈન્ટનેન્સ હવે મોંઘુ સાબિત થયું છે. પ્રજાના પૈસાનો મેયરના ઘરની પાછળ હજારો રૂપિયા ખર્ચ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા પણ કરવામાં આવ્યો છે.
મેયર હેમાલી બોઘાવાલાનો ઉધના-મગદલ્લા રોડ પર 5 કરોડના ખર્ચે બંગલો તૈયાર કરવામાં આવ્યો છે. મેયરના સરકારી ઘરનું ખર્ચ મોંઘુ સાબિત થઈ રહ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રજા પાસેથી ટેક્સ સ્વરૂપે ઉઘરાવવામાં આવેલા રૂપિયા મેયરના બંગલા પાછળ આડેધડ ખર્ચ કરવામાં આવી રહ્યા છે. મેયરે બંગલામાં વસવાટ કર્યા બાદ 51 હજાર લાઈટ બિલ માટે ચૂકવાયા છે. મેયરને મનગમતા છોડ નાખવા માટે 2 લાખ 75 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. એસી ડ્રેઈન વોટર પાછળ પણ 1.5 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું અત્યાર સુધી સામે આવ્યું છે.
આ ઉપરાંત હવે નવા વાસણ લેવા માટે અઢી લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની વિગત સામે આવ્યા બાદ આ મામલે વિવાદ ઉભો થયો છે. બંગલામા છોડ મુકવા માટે પણ મેયરે પ્રજા પાસેથી વસૂલાયેલા 80 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે. મેયર હેમાલી બોઘાવાલાએ કરેલા આડેધડ ખર્ચને લઈ વિપક્ષના નેતા મહેશ અણધણે સવાલ ઉઠાવ્યા છે.