ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં કોરોનાનો કેર ઓછો થવા માંડ્યો છે. અનેક સ્થળે દરરોજ રસીકરણ ઝુંબેશ પણ ચાલી રહી છે. જેને કારણે શહેરોમાં કોરોનાના સરેરાશ રોજિંદા કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ત્યાં બીજી તરફ આણંદ જિલ્લાના સોજિત્રા પાસે આવેલા ડેમોલ ખાતે લોકડાઉન મુકાયું છે. જેનું કારણ ગામમાં એક સાથે મળી આવેલા કોરોનાના કેસ છે. 20 જેટલા લોકો કોરોના પોઝિટિવ નોંધાયા બાદ આરોગ્ય અને સ્થાનિક પંચાયત તંત્ર દોડતું થઈ ગયું હતુ. જે બાદ ગામને સેનિટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી હતી. એક નાનકડા ગામમાં એક સાથે કોરોનાના કેસ મળતાં તાલુકામાં પણ ગભરાટ ફેલાઈ ગયો છે. ડેમોલ ગામમાં કોરોના વાયરસનુ સંક્રમણ ફરી ના વધે તે માટે સતર્કતા સાથે પગલા લેવાનાનું શરૃ કરાયું છે. એક અઠવાડિયામાં કોરોનના 20 કેસ નોંધાવાની ઘટનાથી તંત્ર ચિંતામાં મુકાયું છે. હાલ ઘરે ઘરે ફરીને સર્વેની કામગીરી શરૃ કરાઈ છે. જિલ્લા આરોગ્ય તંત્રની 7 ટીમોએ ગામમાં દવાઓની વહેંચણી કરી છે. આ સાથે જ તાપમાન માપવા તથા લોહીના સેમ્પલો લઈને કોરોના ટેસ્ટ કરવાનું શરૃ કરી દેવાયું છે. તકેદારીના પગલાં રૂપે ગામામાં સંપૂર્ણ લોકડાઉન અમલી કરાયું છે. એટલે કે, સવારના 7થી 9 અને સાંજે 5થી 7 વાગ્યા દરમિયાન જીવનજરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે છૂટ અપાઈ છે. ડેમોલ જેવા નાનકડા ગામની સ્થિતિએ આણંદ જિલ્લામાં ગભરાટ ફેલાવી દીધો છે. કારણ કે, ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસ દિનપ્રતિદિન ઘટી રહ્યા છે. ત્યારે જ આ ઘટના ઘટી છે.