લદાખ સહિતની સરહદે એલએસી વિવાદને લઈને સોમવારે પૂર્વ લદ્દાખમાં ચીની સૈનિકોએ ભારતના જવાનો સાથે ફરી ઘર્ષણ કર્યું હતુ. આ દરમિયાન ઝપાઝપીમાં ચીનના 20 જવાનોને ઈજા પહોંચી હોવાના અહેવાલો છે. બીજી તરફ સિક્કિમમાં પણ ભારત-ચીનના જવાનો વચ્ચે તકરાર થઈ હતી. જેમાં ભારતના સૈન્યએ ચીનની સેનાને પાછળ ધકેલી દીધા હતા. જો કે, આ ઘટના 3 દિવસ પહેલાની હોવાનું જાણવા મળ્યું છે. સિક્કીમનું નાકુલા સેકટર દરિયાઇ સપાટીથી 5000 મીટરથી પણ ઉંચાઇએ છે. આમ છતાં ભયંકર ઠંડીમાં લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર ચીનની આ હરકતથી બંને દેશ વચ્ચે ફરી તણાવ સર્જાયો છે. ઘટના અંગે ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ભારતીય વિસ્તારના તમામ પોઇન્ટ પર હવામાનની સ્થિતિ ખરાબ હોવા છતાં ખૂબ જ ચોકસાઇ રાખવામાં આવી રહી છે. ચીનના કેટલાક જવાનોએ 3 દિવસ પહેલા સિક્કિમના નાકુલામાં LACની સ્થિતિને બદલવા કવાયત કરતા ભારતના જવાનોએ તરત જ પ્રતિકાર કર્યો હતો.
આ સમયે ચીનના કેટલાંક સૈનિક ભારતીય સીમામાં ઘૂંસવાની ફીરાકમાં હતા. ભારતીય સૈનિકોએ આ દ્રશ્ય જોઈને તરત જ હરકતમાં આવી જઈને તે ચીની સૈનિકોને આગળ વધતા રોક્યા હતા. આ સમયે બંને પક્ષે ઘર્ષણ પણ થયું હતુ. ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થતા ચાર ભારતીય અને 20 ચીની જવાન ઘાયલ થયા હોવાના અહેવાલો છે. આ ઘટનામાં હથિયારોનો ઉપયોગ થયો ન હતો. ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદ્દાખમાં ગયા વર્ષે એપ્રિલ-મે મહિના બાદથી જ વિવાદ ચાલી રહ્યો છે. સિક્કિમ સેકટરમાં 2017માં ડોકલામ ટ્રાઇ જંકશન પર 73 દિવસ સુધી તણાવ રહ્યો હતો. ત્યારબાદ 2020માં નાકૂલા પાસે ઘર્ષણ થયું. આની પહેલાં લદ્દાખમાં 2020ના રોજ પેંગોંગ ઝીલના ઉત્તર કિનારા પર બંને દેશોના સૈનિક સામ-સામે આવી ચૂકયા હતા. પૂર્વ લદ્દાખથી ચીને હવે બીજા સેકટરમાં પણ ઘૂસણખોરીની કવાયત કરતા ભારતની ચિંતા વધી છે. અત્યાર સુધી તો લદાખ અને અરુણાચલ પ્રદેશમાં જ ચીનની હરકતો સામે આવતી હતી. પરંતુ હવે સિક્કીમ વિસ્તારમા તેણે ગતિવિધિ આરંભી છે. નાકુલામાં બનેલી ઘટના તેનો પુરવો આપી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ સિક્કીમ સરહદે હાલ સ્થિતિ કાબૂમાં છે.