ચીનની સરકારના એક નિર્ણયથી મોટી ચાર ટેક કંપનીઓમાં જોરદાર ખૌફ ઉભો થયો છે. સરકાર આ કંપનીઓ પર કસંજો કસવાની વેતરણમાં હોવાથી 2 દિવસમાં જ 200 બિલિયન ડોલરનો ફટકો પડ્યો છે. એવુ પણ નથી કે, ચીન સરકાર આ કંપનીઓને જ નિશાન બનાવી રહી છે. તેણે ઈન્ટરનેટ સેક્ટરમાં એન્ટી મોનોપોલી પ્રેક્ટિસ મામલે તપાસ તેજ કરી હતી. રવિવારે ચીનની સેન્ટ્રલ બેંકે Ant Groupને પોતાના કારોબારમાં સુધાર કરવા તાકીદ કરી હતી.
રેગ્યુલેટર્સે કહ્યું હતુ કે, એન્ટ ગ્રૃપ નિયમનોનું પાલન કરે તે આવશ્યક છે. ચીનના કેન્દ્રીય બેંક પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ રવિવારે Ant Groupના એક્ઝિક્યુટિવ્સને સમન્સ પાઠવી આદેશ આપ્યો હતો કે, તે એક રેક્ટિફિકેશન પ્લાન તૈયાર કરે કે જેથી તેનુ પાલન સૌ પાસે તાકીદે કરાવાય.
મળતી વિગતો મુજબ ચીનના માર્કેટ રેગ્યુલેટર્સે ઈ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની અલીબાબા ગ્રૃપની સામે એકાધિકાર-વિરોધી તપાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે જાહેરાત થતાં જ તેની અસર અલીબાબા ઉપરાંત ચીનની અન્ય કંપનીઓ ઉપર પડી રહી છે. ચીનમાં કાર્યરત ટેક કંપનીઓને એન્ટ્રીટ્રસ્ટની તપાસનો ડર સતાવવા માંડ્યો છે. તેથી ટેક કંપનીઓને બે કારોબારી સત્રોમાં લગભગ 15 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયાના અહેવાલો છે.
ચીનમાં ટેક, કંપનીઓના માર્કેટમાં વધતા જતા આધિપત્યને રોકવા સાથે સરકાર ટેક્નોલોજી અને ઈન્ટરનેટ કંપનીઓ પર પોતાનો સકંજો કસવા માંગે છે. તેને કારણે અલીબાબા ગ્રૃપના માલિક જેક મા સહિત અનેક ટેક કંપનીઓની મુશ્કેલી વધી છે. હાલ તો ચીન સરકાર જેક માના કારોબાર પર ડોળો નાંખી રહી છે. તેથી રોકાણકારોમાં પણ ચિંતાનો માહોલ ઉભો થયો છે અને તેઓએ અલીબાબાની સાથે ટેન્સેન્ટ હોસ્ડિંગ્સ, ફૂડ ડિલિવરી કંપની અને JD.com Incના શેરની મોટાપાયે વેચાવલી કરી નાંખી હતી. પરિણામે સોમવારે અલીબાબાના શેરની કિંમતમાં 8 ટકાનો ઘટાડો થયો છે.
ઓક્ટોબરથી લઈને અત્યાર સુધી ચીની રેગ્યુલેટર્સના સકંજાને કારણે કંપનીને 270 મિલિયન ડોલર એટલે કે, લગભગ 20 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે.Tencent અને Meituanનાં શેરમાં સોમવારે 6 ટકાથી વધારેનો ઘટાડો નોંધાયો હતો. આ સાથે JD.comના શેરની કિંમત પણ 2 ટકા સુધી તૂટી હતી. તેનાથી આ ચારેય ટેક કંપનીને છેલ્લા 2 દિવસમાં 200 બિલિયન ડોલર એટલે કે, લગભગ 15 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.