પેટા-વાલોડ પોલીસ મથકે ફરજ બજાવતા એએસઆઈ પ્રતાપભાઈ દત્તુભાઈ પાડવીનું ગત તારીખ 17 મી એપ્રિલ 2021 નારોજ કોરોનાથી મોત નીપજ્યું હતું. વ્યારા : ગુજરાતમાં કોરોના મહામારીની બીજી ઘાતક લહેરમાં તબીબો, આરોગ્યકર્મીઓ, પોલીસ સહિત અને સરકારી કર્મીઓએ જીવના જોખમે કોરોના વોરીયર્સ તરીકે ફરજો બજાવી હતી. જેમાં અનેક કોરોના વોરીયર્સે જીવ ગુમાવ્યો હતો. રાજ્ય સરકારે કોરોના વોરીયર્સનું ફરજ દરમિયાન સંક્રમણથી મોત નીપજે તો કોરોના વોરીયર્સના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય ચુકવવાની જાહેરાત કરી હતી.
તાપી જિલ્લામાં વાલોડ પોલીસ મથકે ફરજ બજાવતા એક પોલીસકર્મીનું ગત તારીખ 17 મી એપ્રિલ 2021 નારોજ કોરોનાથી મોત નીપજતા જિલ્લા પોલીસવડા શ્રીમતી સુજાતા મજમુદારના હસ્તે પરિવારને 25 લાખની સહાયની ચુકવણી કરી પરિવારને આર્થિક હુંફ આપી હતી. તાપી જિલ્લા પોલીસવડા શ્રીમતી સુજાતા મજમુદારના હસ્તે જિલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા અને ફરજ દરમિયાન કોરોના સંક્રમિત બન્યા પછી કોરોના સામે જંગ હારી જનાર બક્કલ નંબર 302,અનાર્મ એએસઆઈ સ્વ શ્રી પ્રતાપભાઈ દત્તુભાઈ પાડવી નામના પોલીસકર્મીના પરિવારને 25 લાખ રકમની સહાય ચુકવણી કરવામાં આવી હતી.25 લાખની સહાય મેળવનાર પરિવારે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.