કોરોનાકાળમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં વેપાર ધંધાની સ્થિતિ નબળી રહી છે. આમ છતાં વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાતમાં સૌથી વધુ ૨,૨૦૭ કરોડ યુએસ ડોલરનું વિદેશી સીધું રોકાણ આવ્યું છે. આ આંકડો અગાઉની ૨૦૧૯-૨૦ની તુલનાએ 265 ટકા વધુ છે. ગુજરાતમાં ૨૦૨૦-૨૧ની એફડીઆઇમાં આ વૃદ્ધિ થતાં ભાજપ સરકારને રાહત થઈ છે. શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાં તથા ઉદ્યોગ-ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસે આ બાબતે વિધિવત નિવેદન આપ્યું હતુ.
તેમણે જણાવ્યું હતુ કે, ડીસીએમ શ્રીરામ લિમિટેડ, બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, મધરસન ઓટોમેટિવ ટેક્નોલોજીસ એન્ડ એન્જિનિયરિંગ, સ્ચોટ ગ્લાસ, મેઘમણી ફાઇનકેમ લિમિટેડ, મેરિનો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ઝેન્ટિવા ફાર્માસ્યુટિકલ્સ જેવી કંપનીઓમાં નવુ રોકાણ આવ્યું છે. રાજ્ય સરકારે એફડીઆઈ રોકાણ વધુ પ્રમાણમાં આવે તે માટે ૭૦૦ જેટલી કંપનીઓ તારવી હતી. જે બાદ તે કંપનીઓને ગુજરાતમાં રોકાણ માટે નિમંત્રણ આપતા પત્રો લખ્યા હતા. પરિણામે વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાત ખાતે કમ્પ્યૂટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રે ૯૪ ટકા એફડીઆઈ આવી છે.
જયારે કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ૨ ટકા એફડીઆઇ નોંધાઈ છે. સરકારે વિદેશી રોકાણ લાવવા માટે કરેલા પ્રયાસોનું આ પરિણામ છે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા આ આંકડા જાહેર કરાયા છે. જેમાં ગુજરાતમાં જાન્યુઆરી-૨૧ અને ફેબ્રુઆરી-૨૧ દરમિયાન રૂ. ૩૭,૯૦૮ કરોડનું મૂડીરોકાણ થવા પહેલા આઇઇએમ ફાઇલ થયું છે. આ પહેલા એટલે કે 2020-21ના આ જ સમયગાળામાં આ આંકડો ઓછો હતો. એટલે કે, જાન્યુઆરી-ફેબ્રુઆરી-૨૦૨૦ની તુલનાએ 2021માં આઇઇએમમાં ૨૫૨ ટકાની વૃદ્ધિ થઈ છે.