ગુજરાતમાં કોરોનાના કેસમાં માંડ માંડ ઘટાડો આવ્યો છે ત્યાં રાજયમાં કપ્પા વેરીઅન્ટના 3 નવા કેસની પૃષ્ટિ થતાં આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના ડેલ્ટા, ડેલ્ટા પ્લસ વેરીઅન્ટના દર્દી નોંધાયા છે. જો કે, ડેલ્ટા, ડેલ્ટા+ બાદ હવે રાજ્યમાં કપ્પા વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતના તલોદ તથા મહેસાણા અને મધ્ય ગુજરાતના ગોધરામાં કુલ 3 દર્દીમાં કપ્પા વેરિયન્ટની પૃષ્ટિ થઈ છે. અગાઉ એપ્રિલમાં પુના મોકલાયેલા સેમ્પલમાંથી ડેલ્ટાના 32 કેસ નોધાયા હતા. જેમાં કોવિડ 19ના જીનોમ સિક્વન્સના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરીઅન્ટ દેખાયો હતો. ત્યારબાદ અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગે જૂન મહિનામાં આઠ શંકાસ્પદ સેમ્પલ પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી લેબ ખાતે મોકલ્યાં હતાં, જેમાંથી બે સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ જોવા મળ્યો હતો. અગાઉ મે મહિનામાં પણ એક સેમ્પલમાં કપ્પા વાઇરસ જોવા મળ્યો હતો.
દરમિયાન મે મહિનામાં સાબરકાંઠાના તલોદ તાલુકાના 70 વર્ષીય દર્દીમાં કપ્પા વેરિયન્ટ મળ્યો હતો. એ પછી 16થી 30 જૂન વચ્ચે ગોધરા અને મહેસાણાના એક-એક દર્દી કપ્પા વેરિયન્ટથી સંક્રમિત હોવાનું નિદાન થયું છે. આ બન્ને દર્દીની સારવાર અમદાવાદ ખાતે સિવિલમાં કરાઈ હતી. જોકે કપ્પા વેરિયન્ટ કેટલો ઘાતક છે એ અંગે વૈશ્વિક સ્તરે અભ્યાસ થઈ રહ્યા છે.
નિષ્ણાંતોના મતે કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાયા બાદ નવા વેરિયન્ટ સર્જાય છે. ગુજરાતમાં દેખાયેલો આ કપ્પા વેરીઅન્ટ પણ વાયરસ ઝડપથી ફેલાયો હોવાનું પ્રમાણ આપી રહ્યો છે.