અમદાવાદ -સાણંદ નળસરોવર રોડ પર રેથલ ગોવિંદા ગામના પાટિયા પાસે છકડો-કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક સહિત ત્રણના મોત થયા હતા. જેમાં ચાલકે સ્થળ પર જ દમ તોડ્યો હતો. જયારે અકસ્માતમાં ઘવાયેલા અન્ય 2 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. અકસ્માત અંગે મળતી વિગતો મુજબ સોમવારે મોડી સાંજે અમદાવાદ -સાણંદ નળસરોવર રોડ પર રેથલ ગોવિંદા ગામના પાટિયા પાસે છકડો-કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતને કારણે છકડાના ટૂકડા થઈ ભુક્કો થઇ ગયા હતા. ઘટના સમયે છકડો રિક્ષામાં 20 જેટલા શ્રમિકો સવાર હતા. ડાંગર રોપવાની સીઝનમાં આ મજૂરો ડાંગર રોપવા ખેતરે જઈને પરત ઘરે ફી રહ્યા હતા. આ દરમિયાન સાણંદના નળ સરોવર રોડ પર આવેલા રેથલ નજીક ગોવિંદા ગામના પાટિયા પાસે છકડો સામેથી આવતી એક કાર સાથે અથડાયો હતો.
અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર ધસી આવી હતી. જે બાદ રાહતબચાવ કામગીરી શરુ કરાઈ હતી. જો કે, આ સમયે સ્થળ પર જ કારચાલક મોતને ભેટી ગયો હોવાનું જાણવા મળ્યું હતુ. જયારે અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય બે જણાને સારવાર માટે હોસ્પિટલમાં મોકલાયા હતા. અકસ્માતમાં કુલ 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ કાર ચાલકનું ઘટનાસ્થળે જ જ્યારે બે જણાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકોને સાણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવામાં આવી રહી છે. હવે આ ઘટના બાદ એક છકડામાં 20 મજૂરોને બેસાડાયા હોવાથી પોલીસ સામે પણ સવાલો ઉઠ્યા છે. ઘટનાની જાણ થતાં વિરમગામના ઘારાસભ્ય કનુ પટેલે હોસ્પિટલમાં પહોંચી ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા હતા.