ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોનાએ વર્તાવેલા કાળા કેરમાં લાખો લોકોના મોત થયા છે. આ જ કોરોનાને કારણે અનેક બાળકોનાં માથા ઉપરથી માતા-પિતાની છત્રછાયા ચાલી ગઈ છે. તો અનેક પરિવારોમાં કમાનાર એક માત્ર આધારસ્તંભ પણ રહ્યો નથી. ગુજરાતમાં હવે કોરોનાને કારણે વાલીઓ ગુમાવનારા નિરાધાર બાળકો માટે રુપાણી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારની જાહેરાત મુજબ રાજ્યમાં કોરોનાને કારણે માતા પિતા કે વાલીનું છત્ર ગુમાવનારા આવા બાળકોને ચાર હજાર રૂપિયા આપવાની યોજના સોમવારથી શરૂ કરાશે. યોજના શરુ કરતા પહેલાં રાજ્ય સરકારે સરવે કરીને રાજ્યમાં આવા કુલ 3900 બાળકની યાદી તૈયાર કરી છે. જેઓને હવે દર મહિને રૂ. 30.40 લાખ ચૂકવાશે. કોરોનાથી રાજ્યમાં 794 બાળકો અનાથ બન્યા છે. જ્યારે 3106 બાળકે એક વાલીની છત્રછાયા ગુમાવી છે. એક વાલીવાળાં 1377 બાળક 10 વર્ષથી નાનાં અને 1729 બાળક 10થી 18 વર્ષની વયનાં છે. મા-બાપ બંને ગુમાવનારાં 220 બાળક 10 વર્ષથી નાનાં અને 574 બાળક 10થી 18 વર્ષની ઉંમરનાં છે.જે બાળકે કોરોના અગાઉ એક વાલી ગુમાવ્યા હોય અને કોરોનામાં અન્ય વાલીનું મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં પણ આ યોજનાનો લાભ આપવા સરકારે નિર્ણ કર્યો છે.
અનાથ બાળકના કિસ્સામાં તેની જવાબદારી લેનારી વ્યક્તિના બેન્ક અકાઉન્ટમાં દર મહિને ડીબીટી દ્વારા રૂ. 4 હજાર જમા થશે. જયારે બાળક 10 વર્ષનો થાય તે પછી બાળકના નામે ખાતું ખોલાવી એમાં સહાય જમા કરાશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં નવાં આવેલાં અધિક મુખ્ય સચિવ સુનયના તોમર દ્વારા આ નવી યોજનાના અમલીકરણ માટે સમીક્ષા બેઠક યોજાઈ ચૂકી છે. CM રૂપાણીના હસ્તે સોમવારથી 4 હજાર સહાયની યોજના શરૂ થશે. રાજ્ય સરકારની આ યોજનામાં કુલ 3900 બાળકને દર મહિને રૂ. 30.40 લાખ ચૂકવાશે.