સુરતના કાપોદ્રામા આવેલી શ્રીજી જેમ્સ ડાયમંડ કંપનીના 300થી વધુ રત્નકલાકારો બુધવારથી અચાનક હડતાળ પર ઉતરી ગયા હતા. આ રત્નકલાકારોએ આરોપ મુક્યો હતો કે, કંપનીના માલિક દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી પગાર વધારો કરાયો નથી. જેને કારણે મોંઘવારીના સમયમાં જીવન ગુજરાન મુશ્કેલ બની રહ્યું છે. રત્નકલાકારોએ જ્યાં સુધી માગ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ પર રહેવાની જાહેરાત કરી હતી. સુરતના વરાછા, કાપોદ્રા, કતારગામમાં અનેક ડાયમંડ કંપની આવેલી છે. જેમાં લાખોની સંખ્યામાં રત્નકલાકારો કામ કરે છે. સુરતની ડાયમંડ નગરી તરીકેની ઓળખ પણ આ વ્યવસાયને કારણે જ મળી છે. જો કે, આ વ્યવસાયમાં પણ કોરોના સંક્રમણને કારણે મુશ્કેલી પડી રહી છે. કોરોનાકાળમાં લદાયેલા પ્રતિબંધોને કારણે સુરત શહેરની તમામ ફેકટરીઓ બંધ કરી દેવાઈ હતી. જયારે હવે નિયંત્રણો ધીમે ધીમે ઘટવા માંડતા હીરાના કારખાના પણ ધીરે-ધીરે શરુ થઈ રહ્યા છે. કોરોના સંક્રમણની વિદાયની સાથે હીરા ઉદ્યોગમાં તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જેને કારણે એક મહિનાથી ડાયમંડ કંપનીઓમાં કામ કરતા રત્ન કલાકારો પગાર વધારાની માંગ કરી રહ્યા છે.
દરમિયાન કાપોદ્રા વિસ્તારમાં રવાણી જેમ્સ તરીકે ઓળખાતા શ્રીજી જેમ્સના 300 કરતા વધારે રત્ન કલાકારો બુધવારે પગાર વધારાની માગ સાથે કામકાજથી અળગા રહ્યાં હતા. તેઓએ 5 વર્ષથી પગાર વધારો ન થયો હોવાથી ગાંધી ચીંધ્યા માર્ગે સતત બીજા દિવસે હડતાળની જાહેરાત કરી હતી. આ સાથે જ જ્યાં સુધી પગાર નહીં વધે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવામાં આવશે તેમ પણ જણાવ્યું હતુ. રત્ન કલાકારોનું કહેવું છે કે, તેઓને લોકડાઉન સમયનો પગાર પણ મળ્યો નથી. ઘણા વર્ષોથી ડાયમંડ કંપનીના સંચાલકો દ્વારા હીરા કટિંગ અને પોલિશ્ડ કરનારાઓના ભાવમાં વધારો કરાયો નથી. લોકડાઉન અને તે પછીનો કેટલોક સમય સમગ્ર વિશ્વમાં મંદી અસર થઇ હતી. પરંતુ હવે ધીરે ધીરે આંતરરાષ્ટ્રીય બજારો ખુલી રહ્યા છે. ડાયમંડ ઉદ્યોગમાં વિશ્વ વ્યાપી તેજી જોવા મળી રહી છે, ત્યારે સુરતના ડાયમંડ કંપનીના સંચાલકોના નફામાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં તેજીનો માહોલ હોવા છતાં પણ તેનો લાભ રત્ન કલાકારોને મળી રહ્યો નથી. પાંચ વર્ષથી ફેક્ટરીના સંચાલકો દ્વારા પગાર વધારો કરાયો નથી. જેથી 20 ટકા જેટલો પગાર વધારો કરવા રત્નકલાકારોએ માંગ કરી હતી.