નવસારી જિલ્લામાં હાલ જેટલા કેસો સામે આવી રહ્યા છે તેમાં 95 ટકા કેસો વેક્સિનેટેડ છે. હોસ્પિટલમાં માંડ 3.3 ટકા જ સારવાર લઇ રહ્યા છે જ્યારે મૃત્યુનું પ્રમાણ લગભગ નહિવત છે. નવસારી જિલ્લામાં પણ હાલ કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ગઈ હોવાનું એક્સપર્ટ જણાવી રહ્યા છે અને દરરોજ કેસોમાં વધારો થઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનાના છેલ્લા 4 દિવસની વાત કરીએ તો કેસોમા વધારો થયો છે. છેલ્લા 3 દિવસ 46થી 48 કેસ નોંધાયા બાદ શનિવારે આ આંકડો 71 અને રવિવારે 73 કેસ પર પહોંચી ગયો છે.. જાન્યુઆરી મહિનાના 9 દિવસમાં કુલ 351 કેસ નોંધાયા હતા.
જો કે રાહતની વાત એ છે કે મોટાભાગના કેસો હોમ આઇસોલેટેડ છે. હાલમાં જે કોરોનાના કેસો બહાર આવી રહ્યા છે તેમાં 95 ટકા દર્દીઓ રસીના બન્ને ડોઝ લઈ લીધાની જાણકારી મળી છે. વેક્સિનેટેડ હોવા છતાં લોકો સંક્રમિત તો થઈ રહ્યા છે પણ મોટેભાગના કેસોમાં દર્દીઓની હાલત ગંભીર નથી એવું પણ આંકડાઓ પરથી જાણી શકાય છે. આંકડાકીય વિગતો જોઈએ તો હાલ જિલ્લામાં જે એક્ટિવ દર્દીઓ છે તેમાં માત્ર 3.3 ટકા જ દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં પણ મહત્તમ દર્દીઓ સાજા થઈ જાય છે. મૃત્યુ તો લગભગ નહિવત યા ખૂબ જ ઓછા છે. જાન્યુઆરીમાં અત્યાર સુધો કોરોનાને લીધે માત્ર 3 મૃત્યુ થયા છે. નવસારી જિલ્લામાં 4 જાન્યુઆરીએ 1 કોરોનાના દર્દીનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ રવિવાર સુધીમાં 5 દિવસ બાદ પણ એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. અહીં ઉલ્લેખનીય છે કે, આ 5 દિવસમાં 286 પોઝિટિવ કેસો નોંધાઈ ચુક્યા છે.