ભારતમાં સરકારે નિર્ધારિત કરેલા કાર્યક્રમ મુજબ શનિવારથી કોરોના સામેના રસીકરણનો આરંભ દેશના પ્રધાનમંત્રી મોદીએ સવારે ૧૦:૩૦ કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યો હતો. પીએમ મોદીએ રિમોટનું બટન દબાવતાં ભારતે સર્વે ભવન્તુ સુખિનઃના નારા ગૂંજ્યા હતા. ત્યારબાદ કોરોના વોરિયર્સના રસીકરણનો પ્રારંભ કરાયો હતો. આરોગ્ય મંત્રાલયના દાવા અનુસાર દેશમાં ૩,૩૫૧ સેન્ટર ખાતે ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને ક્લિનિંગ સ્ટાફ મળી કુલ ૧,૬૫,૭૧૪ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. પ્રથમ દિવસે રસીકરણના કાર્યક્રમમાં ૧૬,૭૫૫ કર્મચારી જોતરાયા હતા. પહેલા દિવસે ભારતીય સેનાના ૩,૧૨૯ આરોગ્ય કર્મચારી, આંધ્રપ્રદેશના ૧૬,૯૬૩ આરોગ્ય કર્મી, બિહારના ૧૬,૪૦૧ આરોગ્ય કર્મી, મહારાષ્ટ્રના ૧૫,૭૨૭, કર્ણાટકના ૧૨,૬૩૭, ગુજરાતના ૮,૫૫૭ આરોગ્ય કર્મી, કેરળના ૭,૨૦૬ આરોગ્ય કર્મી, મધ્યપ્રદેશના ૬૭૩૯, છત્તીસગઢના ૪,૯૮૫ તથા કાશ્મીરના ૪,૦૦૦ આરોગ્ય કર્મી, દિલ્હીના ૩,૪૦૩ આરોગ્ય કર્મી, આસામના ૨૭૨૧ આરોગ્ય કર્મી, તથા અરુણાચલ પ્રદેશના ૭૪૩, ગોવાના ૩૭૩, ચંડીગઢના ૧૯૫, આંદામાન નિકોબારના ૭૮ આરોગ્ય કર્મી, તથા દાદરા દાનહ દમણમાં ૧૦૭ કર્મચારીઓએ રસી મુકાવી હતી.
દિલ્હી એઇમ્સ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન અને એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાની ઉપસ્થિતિમાં સેનિટેશન વર્કર મનીશ કુમારને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. મનીશ કુમાર ભારતમાં કોરોનાની રસીનો ડોઝ મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. ડો. ગુલેરિયાએ ભારત બાયોટેકની રસી કોવેક્સિનનો ડોઝ લીધો હતો. આ રીતે તેમણે કોવેક્સિન પર સર્જાયેલા સવાલો અને શંકાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હીની આરએમએલ હોસ્પિટલના ડોક્ટરોનો કોવેક્સિન લેવાનો ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત નીતિ આયોગના સભ્ય ડો. વી. કે. પોલ અને તેમના પત્ની શશિ પોલે કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ સાથે જ ૩૦૦૦થી વધુ કેન્દ્ર પર રસી આપવાનું કાર્ય શરૃ થઈ ગયું હતુ. દરેક સેન્ટર ખાતે ૧૦૦ આરોગ્ય કર્મચારીને ડોઝ આપવાનું આયોજન હતુ. પરંતુ ૩ લાખ આરોગ્ય કર્મચારીઓને રસી આપવાના લક્ષ્યાંક સામે 1.65 લાખ કર્મચારીઓએ જ રસી લીધી હતી. બ્રિટનની એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડની કોરોના રસી કોવિશીલ્ડનું ભારતમાં નિર્માણ કરી રહેલી સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાના સીઇઓ આદર પૂનાવાલાએ કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લીધો હતો. સરકાર પ્રથમ તબક્કામાં ૧ કરોડ આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી આપવાની નેમ ધરાવે છે. આ માટે દેશમાં કોવિશીલ્ડના ૧.૧૦ કરોડ અને ભારત બાયોટેકની કોવેક્સિનના ૫૫ લાખ ડોઝ ઉપલબ્ધ કરાવ્યાં છે. લદ્દાખમાં ITBPના ૨૦ જવાનોને રસીના ડોઝ અપાયાં હતા. જયારે મહારાષ્ટ્રમાં કોવિન એપમાં સમસ્યા સર્જાતા રસીકરણ મોકૂફ કરાયું હતુ. હવે ત્યાં સોમવારથી રસીકરણ શરૃ કરવામાં આવનાર છે.
રસી બાદ કેટલીક જગ્યાએ આડઅશરના કિસ્સા નોંધાયા હતા. જેમાં દિલ્હીમાં ૫૧ લોકોને આંશિક અસર થઇ હતી. આ સિવાય એક વ્યક્તિને AEFI સેન્ટરમાં દાખલ કરાયો હતો. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરપુરની હોસ્પિટલમાં કોરોનાની રસી લીધા બાદ કમ્પાઉન્ડર શક્તિ પાંડેને છાતીમાં દુખાવો થયો અને તે બેહોશ થઇ ગયો હતો. ભાજપના સાંસદ ડો. મહેશ શર્માએ પ્રથમ દિવસે કોવિશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લેતાં તેઓ કોરોના વેક્સિન લેનારા પ્રથમ સાંસદ બની ગયા હતા. બીજીતરફ પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લાના તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યે નિયમો તોડીને દાદાગીરીથી રસી લીધી હતી. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા કોરોનાની રસી કોવેક્સિન પર ઉઠાવવામાં આવી રહેલા સવાલો સામે જવાબ આપતા ગંભીર આડઅસર થવાના કિસ્સામાં દર્દી કે તેના પરિવારને વળતર ચુકવવાની ખાતરી આપી હતી.