બિહાર ચૂંટણીમાં જનતા દળ યુનાઈટેડના નબળા દેખાવ બાદ ભાજપ તેની સ્થિતિ વધુ મજબૂત કરવા માંડ્યો છે. દરમિયાનમાં અરૂણાચલ પ્રદેશમાં જનતા દળ યૂનાઇટેડના છ વિધાનસભ્યો ભાજપમાં જોડાઇ જતાં તેના પડઘા બિહારના રાજકારણમાં પડવાની સંભાવના છે.
નીતીશકુમારના પક્ષને અરૂણાચલ વિધાનસભામાં સાત બેઠકો મળતાં બધા અચરજમાં મુકાયા હતા. પરંતુ સહયોગી પક્ષ ભાજપે છ વિધાનસભ્યોને પોતાની છાવણીમાં લઈ લીધા છે. આથી નીતીશ કુમાર પોતે પણ ચોંકી ઉઠ્યા છે. ભાજપે જેડીયૂને અત્યાર સુધીમાં 3 વખત આંચક આપ્યા છે. ૨૦૧૯ અને ૨૦૨૦માં જેડીયૂને કેન્દ્ર, બિહારમાં આંચકા સહેવા પડયા હતા.
વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં જેડીયૂ ૧૬ બેઠક જીતી હોવા છતાં તેને મનપસંદ મંત્રાલય ફાળવાયું ન હતુ. બિહાર વિધાનસભામાં એનડીએના તમામ ઘટક પક્ષ એકસંપ થઇને ચૂંટણી લડયા હતા. પરંતુ લોજપા ગઠબંધનથી બહાર જઇને ચૂંટણી લડતા જેડીયૂને નુકસાન થયું હતુ. તે વખતે પણ ભાજપે મૌન પાળ્યું હતું. અરૂણાચલ વિધાનસભામાં જેડીયૂ બીજા ક્રમનો સૌથી મોટો પક્ષ હતો. પ્રદેશ પ્રભારી અશફાક ખાને જણાવ્યું હતું કે ભાજપમાં જોડાયેલા છ પૈકીના ત્રણ વિધાનસભ્યો સામે પહેલાં જ કાર્યવાહી કરવી પડી હતી. જોકે વિધાનસભા પક્ષના નેતા હજી જેડીયૂની સાથે જ છે. અરૂણાચલમાં આ ઘટના ત્યારે બની છે જ્યારે પટણામાં ૨૬-૨૭ ડીસેમ્બરે જેડીયૂની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાનાર છે.
હાલની ઘટના બાદ નીતીશકુમારના હાવભાવ બદલાયા હતા. જો કે, નીતીશકુમારે પિક્ચર તો હજી બાકી છે તેવા સંકેતો આપ્યા હતા. નીતીશે શુક્રવારે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતુ કે, જેડીયૂના છ વિધાનસભ્યો ભાજપમાં જોડાયા છે તેવી ખબર મને મળી છે. પરંતુ અમારી પાર્ટીની બેઠક હજી બાકી છે. જેમાં એકાદ બે દિવસમાં કોઇ મોટો નિર્ણય લેવાશે. નીતીશના આ નિવેદનને બિહારના રાજકારણમાં ઉથલપાથલ થવાના સંકેત તરીકે મનાય રહ્યું છે. આમ પણ વિધાનસભામાં ઓછી બેઠક મળતા ભાજપ બિહારમાં વર્ચસ્વ જમાવવા કોશિષ કરી રહ્યો છે. દુનિયાને કે દેશને બતાવવા ખાતર ભાજપે નીતીશકુમારને મુખ્યમંત્રી તો બનાવ્યા છે. પરંતુ આમ છતાં તેની મનશા બિહારમાં પોતાની સરકાર રચવાની હોવાનું પણ ચર્ચામાં રહ્યું છે.