ભારતમાં કોરોનાના કેસનો રાફડો ફાટી નીકળતા હવે ટેસ્ટીંગ અને રસીકરણ કાર્યને ઝડપથી કરવા પર ભાર મુકાઈ રહ્યો છે. મોટા શહેરોમાં ટેસ્ટીંગ માટે પ્રશાસને ટાર્ગેટ પણ રાખ્યા છે. જો કે, ટેસ્ટીંગ બાદ મોટાભાગના કિસ્સામાં એટલે કે આરટીપીસીઆરના રિપોર્ટ આવવામાં બેથી ત્રણ દિવસ નીકળી જતા હોવાની ફરિયાદો વધી છે. આ ઉપરાંત એકસાથે લાખો ટેસ્ટીંગ કરવાના હોવાથી ટેસ્ટીંગ કીટની પણ અછત વર્તાઇ રહી છે.
ગત બે દિવસથી મોટા શહેરોમાં ટેસ્ટીંગની સંખ્યા ઘટાડવાની નોબત આવી છે. આવા સમયે એક સમાચાર થોડા રાહતના આવ્યા છે. જેમાં કોરોના વાયરસની તપાસ માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ ૬ રીતની બીજી ટેસ્ટિંગ પ્રક્રિયાને મંજુરી આપી હોવાનું જાણવા મળ્યું છે. ICMRના આ પગલાથી યુરોપ, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલની ઘણી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને WHOના ઇમરજન્સી લિસ્ટમાં સામેલ એજન્સીઓને લાભ મળશે. તેઓએ ભારતમાં ટેસ્ટિંગ કિટ માટે વેલિડેશનની જરૂરત રહેશે નહીં. હાલમાં અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ નિયામકે મંજુરી આપેલી કિટને ભારતમાં વેલિડેશનમાંથી મુક્તિ આપવામાં આવી છે. હાલ દેશમાં RT-PCR અને રેપિડ એન્ટીજન ટેસ્ટથી નાગરિકો સંક્રમિત છે કે નહીં, તે નક્કી કરવામાં આવે છે. પરંતુ હવે અન્ય ૬ કિટના માધ્યમથી કોરોનાની તપાસ કરી શકાશે.
અલગ-અલગ દેશોમાં હાલમાં ઉપયોગમાં લેવામાં આવતી કિટનો હવે ભારતમાં ઉપયોગ કરી શકાશે. જો કે, આ નિર્ણય પાછળ હવે ટેસ્ટીંગની પ્રક્રિયા ઝડપી બનાવવાની હોવાનું પણ મનાય છે. ભારતમાં કોરોનાના કેસમાં વધારાને કારણે સરકાર ચિંતાતૂર બની છે. આ સાથે જ દેશમાં કોરોના ટેસ્ટિંગને ઝડપી બનાવવાથી કોરોનાના સંકટને હળવું કરી શકાય તેમ છે. કોરોનાના ઘણા દર્દીઓમાં લક્ષણો હોય છતાં તે જ્યારે ટેસ્ટ કરાવો તો રિપોર્ટ નેગેટીવ આવે છે. ત્યારે ICMRના આ નિર્ણય બાદ હવે લોકો પાસે ટેસ્ટ કરાવવાના અન્ય વિકલ્પો પણ ખુલશે.