સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ગુજરાતમાં અપેક્ષા મુજબ કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં કેસનો આંકડો 100થી વધુ નોંધાવા માંડ્યો છે. સુરતમાં તો મંગળવારે યુકેના નવા સ્ટેઈનના બે દર્દી તથા એક દક્ષિણી આફ્રિકાના સ્ટ્રેનનો દર્દી મળી આવતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે, નવા સ્ટ્રેન અંગે આરોગ્ય વિભાગ પાસે પણ પુરતી ગાઈડલાઈન નથી. હવે આ બંને વિદેશી કોરોના સ્ટ્રેઈન રાજ્યમાં ફેલાતો રોકવાનો સૌથી મોટા પડકાર છે. આ વિદેશી સ્ટ્રેન ખૂબ જ ઝડપથી પ્રસરે છે. દરમિયાન આણંદ જિલ્લામાં કોરોનાના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે.
આણંદના સારસા ગામમાં એકસાથે 25 દર્દી કોરોનાની ચપેટમાં આવી જતાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. સોમવારે સારસા ગામના લોકોના બ્લડ સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ મંગળવારે આવ્યા હતા. જેમાં એકસાથે 25 સેમ્પલમાં કોરોનાએ દેખા દીધી હતી. આ રિપોર્ટ સાથે જ સમગ્ર આણંદ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જે બાદ સારસા ગામમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે બુધવાર તા.10મી માર્ચથી 7 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. જો કે, આવશ્યક ચીજવસ્તુની ખરીદી સવારે 12 વાગ્યા સુધીમાં કરી લેવા ગામજનોને છૂટ આપવામાં આવી છે. સારસા ગ્રામપંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાતા આરોગ્ય વિભાગ હવે સરવેની કામગીરીમાં જોતરાયો છે. ગામના સરપંચના જણાવ્યા મુજબ વાયરસના સંક્રમણને અટકાવવા માટે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. એટલે 10મી માર્ચથી ગામમાં તમામ દુકાનો, ગલ્લાઓ સહિત ધંધા-રોજગારની દુકાનો બપોરે બાર કલાક પછી બંધ રહેશે. આ સાથે જ ગામમાં કોરોનાની ગાઈડલાઈનનો ફરી ચૂસ્તપણે પાલન કરવા સુચના આપવામાં આવી છે.