કોરોનાની બીજી લહેરની વ્યાપક અને ઘાતક અસર હજી બંધ નથી થઈ. પશ્ચિમ ભારતના વિસ્તારો બાદ હવે ઉત્તર ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આતંક મચાવી રહી છે. દિલ્હી, યુપી અને બિહારમાં દરરોજ કોરોના સંક્રમિતોના આંકડા વધી રહ્યા છે. જેના કારણે ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ હવે કોરોના પ્રભાવિત રાજ્યોમાં બેડની અછત, દવા ઈન્જેકશનનો અભાવ જેવી સમસ્યા વિકટ બની રહી છે. આમ પણ અત્યાર સુધી દવા, ઈન્જેકશ અને ઓક્સિજનને અભાવે હજારો લોકોના મોત થયા છે. બીજી લહેર તેની અસર દેખાડી રહી છે ત્યાં જ તબીબો અને સંશોધકો તથા વૈજ્ઞાનિકોએ ભારતમાં ત્રીજી લહેરની આગાહી કરી દીધી છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશે જણાવ્યું હતું કે, ઓક્ટોબરથી ડિસેમ્બરમાં ત્રીજા વેવની શકયતા સાથે તે વખતે બાળકો મોટાપ્રમાણમાં કોરોનાની ચપેટમાં આવી જાય તેવી શકયતા છે. તેથી મોટાપ્રમાણમાં વસ્તી ધરાવતા ભારત માટે આ વેવ વધુ પડકાર રુપ રહેનાર છે. ત્રીજી વેવની અસર ખાળવા માટે કોવિડની ગાઈડલાઈનનું પાલન તથા વેક્સિનેશન જ એક ઉપાય હોવોના મત આરોગ્ય નિષ્ણાંતોનો છે. તેથી ઓક્ટોબર સુધીમાં દેશની ૭૦ ટકા વસતીને રસીકરણ થવું આવશ્યક છે. 70 ટકા લોકોને કોરોના વિરોધી રસી આપી દેવાશે તો હર્ડ ઈમ્યુનિટી આવવાથી ત્રીજી લહેરમાં તેઓને રક્ષણ મળશે અને ઓછી નુકસાની થશે, આ ઉપરાંત અનેક લોકોને મોતના મોઢામાં જતા અટકાવી શકાશે.
રસીકરણ સાથે ગાઈડલાઈનના પાલનથી ત્રીજી વેવ આવે તો પણ લોકડાઉન જેવી સ્થિતિનો સામનો કરવો પડશે નહીં. જરદોશે વધુમાં ઉમેર્યું હતુ કે, દેશમાં ૭૦ ટકા જેટલા લોકોને ઝડપભેર કોરોના વિરોધી રસી અપાય તે દીશામાં કામગીરી સરકારે કરવી પડશે. ગુજરાતમાં અત્યારે માંડ ૧૮ ટકા જેટલા લોકોએ જ રસી લીધી છે. કોરોનાની બીજી લહેરમાં ઘણું નુકસાન થયું છે. ઈન્ડિયન મેડિકલ એસો. સાથે સંકળાયેલા ડોક્ટરોનું કહેવું છે કે, સરકારી કંપનીની રસીની પેટન્ટ બીજી છ વેક્સિન બનાવતી કંપનીને અપાય તો જ પૂરતા પ્રમાણમાં રસીનું ઉત્પાદન થઈ શકશે. દેશમાં અત્યારે દર મહિને ૨૦ કરોડને વેક્સિનની જરૂર પડી રહી છે. જેની સામે સીરમ અને ભારત બાયોટેકની ઉત્પાદન ક્ષમતા સાતથી આઠ કરોડ રસીની છે. આવા સંજોગોમાં દેશમાં વેક્સિનના ઉત્પાદનની કેપેસિટી તાત્કાલિક વધારવું જોઈએ.