ભારતમાં કોરોના સામેના જંગમાં રસીકરણ ઝુંબેશ મોટાપાયે ચાલી રહી છે. અનેક રાજ્યમાં શાળાઓ ધમધમતી કરવા કવાયત થઈ રહી છે. ત્યારે કેટલાક વૈજ્ઞાનિકોએ કોરોનાના 7684 જેટલા પ્રકારના સ્ટ્રેન દેશમાં મળ્યા હોવાનો દાવો કરાતા ખળભળાટ મચી ગયો છે. 2021 જાન્યુઆરીમાં ભારતમાં કોરોનાના કેસનો ગ્રાફ નીચે ગયો હતો. કોરોનાના ઘટતા નાગરિકોને ફરી તેમના વેપાર ધંધા, નોકરી અને શાળા કોલેજો ધમધમતી થવાની આશા બંધાઈ હતી. પરંતુ 7 દિવસથી દેશના મહારાષ્ટ્ર અને દિલ્હી સહિતના કેટલાક રાજ્યોમાં ફરીવાર કોરોના દર્દીઓ વધી રહ્યા છે. તેને કારણે તંત્ર અને પ્રજાની ચિંતા વધી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ તથા પુડુચેરી, ત્રિપુરા અને ચંદીગઢ જેવા રાજ્યોમાં કોરોનાના નોંધપાત્ર કેસ મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ સત વણસી રહી હોવાથી રવિવારે રાજ્ય સરકારે પાંચ જિલ્લામાં 12 કલાક કર્ફયુના આદેશ કર્યા હતા.
મહારાષ્ટ્ર સરકારે રાજ્યના ઘણાં શહેરોમાં પ્રતિબંધોનો ફી કડક અમલ શરૃ કરી દીધો છે. અમરાવતીમાં એક અઠવાડિયાનું લોકડાઉન લાદી દેવાયું છે. જયારે પુનામાં નાઇટ કર્ફ્યુ મુકાયો છે. અત્યાર સુધીમાં આખા દેશમાં 1 કરોડ 9 લાખ 91 હજારથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી 1 લાખ 56 હજાર 339 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. રવિવારે સાંજની સ્થિતિએ દેશમાં 1 લાખ 42 હજાર 691 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આવા સમયે ભારતીય વૈજ્ઞાનિકોએ કરેલા ખુલાસાથી લોકોની ઉંઘ ઉડી ગઈ છે. હૈદરાબાદના CCMBના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, 22 રાજ્યોમાં 35 લેબમાંથી નમૂના એકત્રિત કર્યા પછી વૈજ્ઞાનિકો દ્વારા જિનોમ સિક્વેંસિંગ કરાયું હતુ. જેમાં દેશમાં 7684 પ્રકારના કોરોના વાયરસની હાજરી દેખાય છે. તેમાં એક ડઝનથી વધુ કોરોના ક્લેડ પણ મળી આવ્યા છે. આ નવા વાયરસ દેખાયા હોય તે મોટાભાગના રાજ્યો દક્ષિણના છે. અહીં N-440ના કોરોના વાયરસનું સ્વરૂપ ખૂબ જ ઝડપથી ફેલાયું છે. તેલંગાણામાં 987 અને આંધ્રપ્રદેશમાં 296 પ્રકારના કોરોના વાયરસ પરિક્ષણ દરમિયાન દેખાયા છે. હૈદરાબાદ સ્થિત સીસીએમબીના ડિરેક્ટર ડો.રાકેશ મિશ્રાએ કહ્યું હતુ કે, ભારતમાં અત્યાર સુધીમાં સાત હજારથી વધુ કોરોનાના સ્વરૂપ મળ્યા છે. જેમાંના કેટલાક વાયરસ જીવલેણ છે. જોકે આ માટે વધુ અભ્યાસની જરૂર છે. રાહતની વાત એટલી જ છે કે, વિશ્વના અન્ય દેશોમાં જોવા મળતા કોરોનાના સ્વરૂપોની ભારતમાં ખૂબ ઓછી હાજરી છે.