ભારતમાં છેલ્લાં દોઢ મહિનાથી આતંક મચાવી રહેલા કોરોના વાયરસને કારણે દેશના જુદા જુદા વિસ્તારમાં તબક્કાવાર રીતે સ્થિતિ કથળી રહી છે. આરોગ્યની ટાંચી સુવિધા સામે સંક્રમણની બેફામ ગતિથી દર્દીઓને યોગ્ય અને સમયસર સારવાર ન મળતા અત્યાર સુધી હજારો લોકોના મોત આ બીજી લહેરમાં થઈ ગયા છે. બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર આ સ્થિતિને નિયંત્રણમાં લેવા સતત પ્રયાસો કરતી રહી છે. તેમ છતાં હાલ યુપી અને બિહાર તથા ઉત્તરભારતના કેટલાક વિસ્તારમાં સ્થિતિ વણસી છે. જયારે ગુજરાત મહારાષ્ટ્ર જેવા વિસ્તારમાં સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે.
બુધવારે ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવે સરકાર અને જિલ્લાના વહિવટી તંત્રને કેટલાક મહત્વના સૂચનો કર્યા હતા. ડો. ભાર્ગવે મીડિયા સમક્ષ સ્પષ્ટ રીતે કહ્યું હતુ કે, દેશના જે જિલ્લાઓમાં કોરોનાના સંક્રમણનો દર ૧૦ ટકાથી વધુ છે. તેવા વિસ્તારોમા વધુ સતર્કતાની આવશ્યકતા છે. આ વિસ્તારમાં જો ૮ અઠવાડિયાનું લોકડાઉન મુકવામાં આવે તો સ્થિતિ ઝડપથી સુધરી જશે. ભારત હાલમાં કોરોનાની બીજી લહેર તેનો પ્રભાવ પાડી રહી છે. દેશમાં દરરોજ 3 લાખ કે તેથી વધુ કોરોના દર્દીઓનું મળવું ચિંતાજનક બાબત છે. બધા રાજ્યો કોરોનાની સ્થિતિ થાળે પાડવા પોતપોતાની રીતે પ્રયાસો કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર પણ રાજ્યોની સ્થિતિ પ્રમાણે આંકલન કરીને મદદ કરી રહી છે. પરંતુ આમ છતાં કોરોનાની સ્થિતિનું તબક્કાવાર અને સમયાંતરે આંકલન થવું આવશ્યક છે. બીજી લહેરમાં યુવાઓ વધુ ભોગ બની રહ્યા છે તેનું કારણ કદાચ એ છે કે યુવાઓ નોકરી-વ્યવસાય માટે બહાર નીકળે છે.
આ ઉપરાંત વાઇરસનો નવો વેરિઅન્ટ યુવાનોને વધુ અસર કરે છે. ICMRના ડાયરેક્ટર ભાર્ગવે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં કોરોના સંક્રમણ દર ૨૧ ટકા છે. કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને પંજાબ સહિત ૧૬ રાજ્યોમાં દરરોજ કોરોના દર્દીનો આંકડો વધી રહ્યો છે. જયારે ગુજરાત, મહારાષ્ટ્ર, રજસ્થાન, અને તેલંગણા સહિતના ૧૮ રાજ્યોમાં કેસ ઘટી રહ્યાં છે. ૭૩૪ જિલ્લાઓમાંથી ૩૧૦ જિલ્લાઓમાં સંક્રમણ દર ક્યાં તો રાષ્ટ્રીય દર જેટલો છે અથવા એનાથી વધુ છે. આવા વિસ્તારોમાં ખાસ ધ્યાન આપવાની જરુર છે. આ વિસ્તારોમાં સંક્રમણનો દર ઘટાડવો હોય તો 8 અઠવાડિયાનું લોકડાઉન ઉત્તમ ઉપાય છે તેવુ અમારું સ્પષ્ટ માનવું છે.