ભારતમાં અત્યાર સુધી માત્ર ખાનગી હોસ્પિટલો અને લેબ્સમાં ખોટી વિગતો લખાવીને ટેસ્ટ કરાવાતા હોવાના કિસ્સા બહાર આવતા હતા. જયારે હવે એસજીપીજેઆઈ, લોહિયા ઇન્સ્ટિટ્યુટ અને કેજીએમયુમાં RTPCR ટેસ્ટ દરમિયાન ખોટી અને અધૂરી વિગતો નોંધવામાં આવી હોવાનું બહાર આવ્યુ છે. આ ઘટના માટે સ્ટાફ અથવા તો ટેસ્ટ કરાવનારની બેદરાકરી હોવાનું મનાય છે. સૌથી મોટી સમસ્યા હવે એવી થઈ ગઈ છે કે, યુપીના લખનઉમાં જ છેલ્લાં 20 દિવસમાં કોરોના પોઝિટિવ આવ્યા હોય તેવા 8876 લોકોને તંત્રએ શોધવા પડે તેમ છે. ભારતના પશ્ચિમી રાજ્યોમાં કોરોનાની બીજી લહેરે તરખાટ મચાવ્યા પછી તેની અસર ઉત્તર ભારત અને પૂર્વોત્તરના રાજ્યોમાં વર્તાય હતી.
ઉત્તર પ્રદેશ અને દિલ્હી પણ કોરોનાથી પ્રભાવિત પ્રદેશોમાં રહ્યા હતા. જેને પગલે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સૌથી વધુ ટેસ્ટ કરવા સૂચના આપી હતી. જો કે, કેન્દ્રની સુચના બાદ ટેસ્ટીંગની પ્રક્રિયા તો થઈ પરંતુ તેમાં મોટાપાયે લાલિયાવાડી ચાલી હોવાનું ફલિત થઈ રહ્યું છે. હાલમાં જ યુપીના લખનઉમાં છેલ્લાં 20 દરમિયાન એટલે કે 1 લી મેથી 20મી સુધીમાં થયેલા ટેસ્ટિંગમાં હજારો લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી 8876 એવા લોકો છે જેઓના કોઈ સગડ મળતા નથી. કોવિડ પ્રભારી અધિકારી ડો. રોશન જેકબની સુચના બાદ મેડિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર જનરલ સૌરભ બાબુએ કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના કુલસચિવ એસજીપીજીઆઇ (સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) તેમજ લોહિયા સંસ્થાનના ડાયરેક્ટરને પત્ર લખીને જવાબ માગ્યો છે.
જેમાં લાપતા દર્દીઓને શોધવા તાકીદ કરવામાં આવી છે. કોવિડ પ્રભારીના પત્રમાં કેજીએમયુમાં 3749, એસજીપીજીઆઈમાં 1078 અને લોહિયા ઇન્સ્ટિટ્યૂટમાં 4049 લોકોની ખોટી અથવા અધુરી માહિતીની નોંધ કરાઈ છે. પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, ખોટી માહિતી હોવાથી હવે તે દર્દીઓને ટ્રેસ કરી શકાતા નથી. ઘણી વાર લેબ્સ એક જ વ્યક્તિનો રિપોર્ટ કરવા માટે દર વખતે અલગ અલગ આઈડી પ્રુફ લે છે. તેને કારણે પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ રહી છે. ખોટી અથવા અપૂર્ણ વિગતો અને લેબ દ્વારા તપાસવામાં આવેલા વ્યક્તિની આઈડીની સંખ્યા દ્વારા ડેટા ગડબડ કરાઈ રહ્યો છે. રેપિડ રિસ્પોન્સ ટીમ આવા લોકોની પાસે પહોંચે છે ત્યારે અનેક લોકો કીટ લઈ રહ્યા નથી. આવી સ્થિતિમાં ટીમનો સમય પણ બગડી રહ્યો છે. આરોગ્ય મહાનિદેશકે સંસ્થાઓને ચેતવણી આપી છે કે, જો સાચી વિગતો નોંધવામાં નહીં આવશે તો સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીની જ રહેશે.