2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ધીમેધીમે નજીક આવી રહી છે. આ સાથે જ નવી નિયુક્તિઓ પણ જોવા મળી છે. રાજ્ય સરકારના બોર્ડ નિગમમાં નવી નિયુક્તિઓ કરવાની ફિરાકમાં ભાજપ હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે બોર્ડ-નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના રિપોર્ટ કાર્ડ મંગાવવા તેમજ રાજીનામા આપવાનો દોર શરૂ થયો છે. બીજી તરફ હવે રાજ્યના નાણાં વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.
નાણાં વિભાગના પરિપત્ર મુજબ ગુજરાતમાં બિન ઉપયોગી બોર્ડ નિગમોને હવે કાયમ માટે ખંભાતી તાળાં મારી દેવામાં આવશે તેમજ જે લાગતાં વળગતા બોર્ડ નિગમ છે તેમને મર્જ કરી દેવાશે. હાલ રાજ્ય સરકારના કુલ 78 બોર્ડ નિગમ છે જેમાંથી સમાન કામ ધરાવતા બોર્ડ, નિગમ, સંસ્થા મર્જ કરી દેવાશે તેવો નિર્ણય નાણા વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. ખર્ચ ઘટાડવા પરિપત્ર પણ બહાર પડાયો છે. જેમાં બેલેન્સ શીટમાં બાકીના હિસાબ કરીને અમુક નિગમ બંધ કરી દેવાશે કયા બોર્ડ નિગમ બંધ થશે તેની સ્પષ્ટતા નાણાં મંત્રાલય દ્વારા હજી કરાઇ નથી પરંતુ ટૂંક સમયમાં આ નિર્ણય જાહેર કરી દેવાશે.
2022ની ચૂંટણી પહેલા ખાલી પડેલી બોર્ડ નિગમની નિમણુંક કરાય તેવી શકયતા દેખાઇ રહી છે. રાજ્ય સરકારના કુલ 78 બોર્ડ નિગમમાં છે, જેમાંથી 40થી વધુ વોર્ડ નિગમ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક હાલ બાકી છે. અગાઉ 16 જેટલા ચેરમેનોએ રાજીનમાં આપ્યા છે.