ભારતમાં તબીબ જગત અને આરોગ્ય વિભાગના અંદેશા પ્રમાણે પાંચેક રાજ્યોમાં કોરોના 7મી મે આસપાસ પીક અપ દેખાવા માંડ્યો છે. ગુરુવારે દેશા મધ્યપ્રદેશમાં અને કેરળ તથા મહારાષ્ટ્રમાં કોરોનાના નોંધપાત્ર કેસ દેખાયા હતા. જેને પગલે કેરળમાં જનતાને ઘરમાં જ રહેવા કડક આદેશ જારી કરાયા હતા. જયારે યુપી સરકારે દર્દીઓને ઘર સુધી ઓક્સિજન પહોંચાડવાની જાહેરાત કરી હતી. કોરોના વાયરસનો કેર ફરી દક્ષિણ ભારતના કેરળમાં વર્તાવા માંડ્યો છે. ગુરુવારે અહીં રેકોર્ડબ્રેક ૪૨,૪૬૪ કોરોનાના નવા કેસ મળતા ખળભળાટ મચી ગયો હતો.
કોરોના કેસનો રાફડો ફાટી નીકળેલો જોઈને નવ નિર્વાચિત વિજયન સરકારે તરત જ આ બાબતને ગંભીરતાથી લીધી હતી. અને ૮થી ૧૬ મે સુધી સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. સરકારે આ અંગે સત્તવાર નિવેદન બહાર પાડી કહ્યું હતુ કે, રાજ્યમાં 42 હજાર કોરોનાગ્રસ્તો મળવા ખરેખર ચિંતાનો વિષ્ય છે. તેથી ૮ મે સવારના ૬થી ૧૬ મે સવારના ૬ સુધી રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. ફક્ત આવશ્યક સેવાઓના કર્મચારીઓને જ પરવાનગીને જ તેમાં છુટછાટ અપાશે. આ ઉપરાંત શાકભાજી, ફળ, દૂધ અને કરિયાણાની દુકાનોને કેટલાક સુમય સીમા સુધી ખોલવા માટે મંજૂરી અપાશે. બુધવારે પણ કેરળમાં ૪૧,૯૫૩ બ્લડ સેમ્પલમાં કોરોનાની પૃષ્ટિ થઈ હતી. જેને પગલે રાજ્ય સરકારે એક તાકીદની બેઠક યોજીને કોરોનાની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. બેઠકના અંતે ૯ દિવસના રાજ્યવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરાયો હતો. જેની જાહેરાત ગુરુવારે કરાઈ હતી.
આ તકે રાજ્ય સરકારે કોરોનાને નિયંત્રણમાં લેવા મેડિકલ સ્ટુડન્ટ અને સરકારી અધિકારીઓનો સહયોગ લેવાનું પણ નક્કી કર્યું હતુ. વિજયને જણાવ્યું હતું કે, કોરોનાના પોઝિટિવિટી રેટમાં કોઈ ઘટાડો થઈ રહ્યો ન હોવાથી સંપૂર્ણ લોકડાઉન જેવો કડક નિર્ણય લેવો પડ્યો છે. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં સીએમે આદિત્યનાથે હોસ્પિટલોમાં મેડિકલ ઇક્વિપમેન્ટ, બેડ, ઓક્સિજન સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો હતો. આ સાથે જ સરકારે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને ઓક્સિજન પહોંચાડવાની સિસ્ટમ તૈયાર કરવા સુચના આપી હતી. જેથી હવે જરૃરિયાતમંદ દર્દીઓને ઘર ઘર સુધી ઓક્સિજનનો જથ્થો પહોંચાડવા વ્યવસ્થા ગોઠવાશે. એ જ રીતે મધ્યપ્રદેશ સરકારે ગુરુવારે કોરોનાનો પ્રસાર અટકાવવા માટે રાજ્યમાં અમલી જનતા કરફ્યૂને ૧૫મે સુધી લંબાવી દેવા અપીલ કરી હતી. સીએમ શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજ્યમાં જનતા કરફ્યૂનો ૭ મેના રોજ અંત આવી રહ્યો હતો. પરંતુ બીજી તરફ કોરોનાની ચેઈન હજી અટકી નથી. તેથી શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં હજી કેટલાક દિવસો ગાઈડલાઈન અને કરફ્યૂનું કડકાઈથી પાલન કરવું આવશ્યક છે.