એશિયા કપમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે દૂબઇના મેદાન પર મેચ રમાશે. ટીમ ઇન્ડિયા સુપર-4માં પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ શ્રીલંકાએ અફઘાનિસ્તાનને હરાવીને સુપર-4 સ્ટેજની ધમાકેદાર શરૂઆત કરી હતી. એવામાં ભારતીય ટીમ માટે આ મેચ વધુ મહત્વની છે.
શ્રીલંકા વિરૂદ્ધ ભારતીય ટીમને જીત મેળવવા માટે રમતના ત્રણેય ડિપાર્ટમેન્ટમાં સારૂ પ્રદર્શન કરવુ પડશે. નાની ભૂલ પણ ભારતને ભારે પડી શકે છે. પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં ભારતીય ટીમે કેટલીક ભૂલ કરી હતી જેને રાહુલ બ્રિગેડ શ્રીલંકા વિરૂદ્ધ દોહરાવવા નહી માંગે.
પ્લેઇંગ-11ની પસંદગી
શ્રીલંકા વિરૂદ્ધ ભારત પોતાની બેસ્ટ પ્લેઇંગ-11 મેદાન પર ઉતારવા માંગશે. પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં ભારતે ત્રણ-ત્રણ બદલાવ કર્યા હતા. આ દરમિયાન દિનેશ કાર્તિકને ટીમની બહાર રાખવો ચોકાવનારૂ હતુ. કાર્તિકે ટીમમાં વાપસી પછી સતત ફિનિશરની ભૂમિકા નીભાવી છે. ઇજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલને પણ ઇલેવનમાં તક મળી નહતી. આ મહત્વના મુકાબલામાં પ્લેઇંગ-11 પસંદ કરતા ટીમ ઇન્ડિયા ગત ભૂલને દોહરાવતા બચવુ પડશે.
છઠ્ઠુ બોલિંગ ઓપ્શન
પાકિસ્તાન વિરૂદ્ધ મુકાબલામાં હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલ મોંઘો સાબિત થયો હતો, તેમ છતા રોહિત શર્માએ બોલિંગમાં દીપક હુડ્ડાનો ઉપયોગ કર્યો નહતો. જો ઓફ સ્પિનર હુડ્ડા તે સમયે ડાબા હાથના બેટ્સમેન મોહમ્મદ નવાઝને બોલ ફેકતો તો ભારતે ફાયદો થાત. શ્રીલંકા વિરૂદ્ધ આ ભૂલને દોહરાવતા બચવુ પડશે.
વધુ એટેકથી બચવુ પડશે
ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં એટેક કરવાની રણનીતિ અપનાવી હતી. રોહિત-રાહુલે પ્રથમ વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી હતી. રોહિત અને રાહુલ મોટા શોટ ફટકારવાના ચક્કરમાં આઉટ થયા હતા. સૂર્યકુમાર યાદવે પણ બાઉન્ડ્રી સાથે ઇનિંગની શરૂઆત કરી હતી પરંતુ તે પણ એટેક કરવાના ચક્કરમાં આઉટ થયો હતો. રિષભ પંત, દીપક હુડ્ડા અને હાર્દિક પંડ્યાએ પણ મોટા શોટ ફટકારવાના ચક્કરમાં વિકેટ ગુમાવી હતી.
ફિલ્ડિંગમાં સુધારો કરવો પડશે
પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં ઢીલી ફિલ્ડિંગ જોવા મળી હતી. અર્શદીપ સિંહે 18મી ઓવરમાં આસિફ અલીનો કેચ પડતો મુક્યો હતો બીજી તરફ ભારતીય ખેલાડીઓએ ફિલ્ડિંગ પણ ખરાબ કરી હતી. પાકિસ્તાની બેટ્સમેનોએ એકની જગ્યાએ બે રન દોડીને લીધા હતા. શ્રીલંકા વિરૂદ્ધ આ ભૂલથી બચવુ પડશે.