બગદાદ એક હોસ્પિટલના આઇસીયુમાં રવિવારે ઓક્સિજન ટેકમાં વિસ્ફોટ થયા બાદ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગે ભીષણ સ્વરુપ ધારણ કરતા આ ઘટનામાં અત્યાર સુધીમાં ૮૨ કોરોનાગ્રસ્તોના મોત થયાના અહેવાલો છે. જયારે ૧૧૦ લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાનું સરકારે જણાવ્યું છે. ઇરાકના ગૃહ મંત્રાલયે ઘટનાની પૃષ્ટિ કરતા જણાવ્યું હતુ કે, રવિવારે રાજધાની બગદાદ ખાતે આવેલી ઇબ્ન અલ ખતીબ કોવિડ હૉસ્પિટલમાં ઑક્સિજન ટેન્કમાં ભીષણ ધમાકો થયો હતો. જેને કારણે હોસ્પિટલમા તરત જ આગ ફાટી નીકળી હતી. હૉસ્પિટલના કોરોના વોર્ડમાં ઑક્સિજન સિલેન્ડરમાં વિસ્ફોટ થતા ત્યાં સારવાર કરાવી રહેલા 82 દર્દીઓના મોત થયા હતા.
દુર્ઘટના સમયે હોસ્પિટલમાં કોરોના વાયરસથી ગંભીર રીતે સંક્રમિત ઓછામાં ઓછા 28 દર્દીઓ વેન્ટિલેટર પર હતા. મીડિયાના દાવા પ્રમાણે હૉસ્પિટલના અધિકારીઓની લાપરવાહીને કારણે ધમાકો થયો હતો. જે બાદ ત્યાં આગ લાગી હતી. ઘટનાને ગંભીરતાથી લઈને ઇરાકના પ્રધાનમંત્રીએ જવાબદારી અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા.
બીજી તરફ દેશના સ્વતંત્ર માનવાધિકાર પંચના પ્રવક્તા અલી અલ બયાતીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે મૃતકોમાં વેન્ટીલેટર પર રાખેલા ૨૮ દર્દીઓ પણ સામેલ હતાં. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. જે બાદ તેઓએ રાહત અન બચાવ કામગીરી શરુ કરી હતી. ઘાયલ દર્દીઓને એમ્બ્યુલન્સમાં અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા. અત્યાર સુધી આ ઘટનામાં ૨૦૦ લોકોને હાસ્પિટલમાંથી ઉગારી લેવાયા છે. દુર્ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇરાકમાં કોરોનાની બીજી લહેરમાં દરરોજ ૮૦૦૦થી વધુ કેસ મળી રહ્યા છે. ઇરાકમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૧૫,૨૦૦ લોકોના મોત થયા છે. કુલ સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર થઇ ગઇ છે. ઇરાકમાં હાલ કોરોનાના દર્દીઓને ઑક્સિજનની આવશ્યકતા પડી રહી છે, તેથી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધી રહી છે. રવિવારે પણ આ હોસ્પિટલમાં ઘટના સમયે કોરોનાના દર્દીઓની સંખ્યા વધુ હતુ.