ગુજરાતમાં વારંવાર આગની ઘટના બાદ સોમવારે મોડી સાંજે પશ્ચિમ બંગાળના કલકત્તામાં આગની ઘટના ઘટી હતી. આ સમયે બિલ્ડીંગમાં 9 લોકો બળીને ભડથું થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પીએમ મોદીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતુ. જયારે મમતા બેનરજી ખુદ જ સ્થળ પર પહોંચી હતી. સુત્રો પાસેથી મળતી વિગતો એવી છે કે, કલકત્તાના સ્ટ્રાંસ રોડ પર આવેલા ન્યૂ કોલાઘાટ બોલ્ડિંગમાં ઓફિસો, અને ધંધાદારી દુકાનો આવી છે. સોમવારે મોડી સાંજે આ બિલ્ડીંગના 12 અને 13મા માળે ભયાનક આગ ભભૂકતા દોડધામ મચી ગઈ હતી. આગ લાગવાના કારણે પૂર્વ રેલવેની ઓનલાઈન બુકિંગ તથા ઉત્તર પૂર્વી રેલવેની ટિકીટ બુકિંગ વ્યવસ્થા બંધ થઈ ગઈ હતી.
બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાથી અફરા-તફરી મચી ગઈ છે. જયારે વધુ નુકસાનીથી બચવા ઇમારતને ખાલી કરાવવા તાબડતોબ પ્રયાસો કરાયા હતા. સાથે જ પોલીસ દ્વારા આ વિસ્તારમાં અવર-જવર પર પ્રતિબંધ મુકાયો હતો. કોલકત્તા પોલીસના એક અધિકારીના જણાવ્યા મુજબ સોમવારે સાંજે ઇમારતમાં આગ લાગેલી જોઈને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો. જે બાદ ફાયરબ્રિગેડની આઠ ગાડીઓને સ્થળ પર મોકલવામાં આવી હતી.
આ બિલ્ડિંગમાં રેલવેનું કાર્યાલય પણ આવેલું છે. જયાંથી મુસાફરોને બુકીંગ સહિતની સુવિધા પુરી પડાઈ છે. મંગળવારે બપોર સુધીમાં આગની આ ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યાની સત્તાવાર પૃષ્ટિ સરકારી તંત્રએ કરી હતી. મૃતકોમાં 4 ફાયર વિભાગના કર્મચારીઓ, એક રેલવે પોલીસનો કર્મચારી, એક ASI તથા અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે જ સ્થળ પર ધસી ગયા હતા. મમતા બેનરજીએ મૃતકને 10 લાખ રૂપિયાની આર્થિક સહાયની તથા મૃતકોના પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરીની જાહેરત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી. પીએમ મોદીએ મૃતકો માટે પ્રધાનમંત્રી રાહત કોષમાંથી 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. સાથે જ ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવા વચન આપ્યું હતુ. ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર રેલવેનું કમ્યૂટરાઈઝ્સ રિઝર્વેશન સેંટર પણ આવેલુ છે. ઘટનાસ્થળે પહોંચેલા 15 બંબા સાથે જવાનોએ આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.