ગુજરાતની હોસ્પિટલમાં આગની ઘટના બાદ હવે મહારાષ્ટ્રમાં આ પ્રકારના બનાવો બની રહ્યા છે. શુક્રવારે મળસ્કે વિજય વલ્લભ હોસ્પિટલમાં આવેલા ICUમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગી તે સમયે ICUમાં 17 દર્દી દાખલ થયા હતા. જેમાંથી 13 દર્દીઓ આગની ચપેટમાં આવ્યા હતા. આ દુર્ઘટના વહેલી સવારે 3:15 વાગ્યે બની હતી. ઘટના બાદ તાબડતોબ પાંચ દર્દીઓને શિફ્ટ કરી દેવાયા હતા.
જો કે, કમનસીબે 13 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ આઈસીયુ વોર્ડમાં દાખલ તમામ 17 દર્દીઓ કોરોનાથી સંક્રમિત હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો બંબા સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જે બાદ તેઓએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. આગ લાગવા પાછળ ACમાં શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. વધુમાં ICUમાં આગ લાગવાની આ ઘટનામાં વધુના મોતની આશંકા પણ છે. વિજય વલ્લભ હોસ્પિટલમાંથી ઉગારાયેલા દર્દીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.