આખાં ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ધામધુમથી ઉજવવામાં આવે છે. આ તહેવારને હવે એક દિવસ આડો છે ત્યારે રાજકોટમાં હિનલ રામાનુજે પતંગ બનાવવામાં એક નવતર પ્રયોગ અપનાવ્યો છે. ઉત્તરાયણનો આ તહેવાર હરિયાળી લાવે એ માટે ખાસ પ્રકારના પતંગો હિનલ રામાનુજ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. આ પતંગો અન્ય સામાન્ય પતંગની જેમ જ ઉડાવી ઉત્તરાયણની મોજ લઈ શકાશે. અને આ પતંગ જમીન પર પડતાં એમાં રહેલાં બીજ દ્વારા જે-તે જગ્યાએ વૃક્ષ ઊગી નીકળશે. આમ, તહેવારની ઉજવણીની સાથે-સાથે પર્યાવરણની જાળવણી પણ કરી શકાશે. તેમણે આવી 100 કરતાં પણ વધુ ઇકો ફ્રેન્ડલી પતંગ બનાવ્યા હોવાની માહિતી આપી છે.

પોતાના નવતર પ્રયોગ વિશે જણાવતાં હિનલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે હું હંમેશાં તહેવારની ઉજવણી સાથે પર્યાવરણને ધ્યાનમાં રાખીને કામ કરું છું, તેથી આ વખતે ઉત્તરાયણ માટે મેં આ ખાસ પ્રકારના પતંગો બનાવ્યા છે, જેમાં તેણે વૃક્ષનાં બીજ મૂક્યા છે. જોકે પતંગ સારી રીતે ઊડી શકે એનું પણ પૂરતું ધ્યાન રખાયું છે. આ માટે તેણે પતંગની વચ્ચે કાગળનું પોકેટ લગાવ્યું છે, જેમાં ઓછા વજન ધરાવતાં વૃક્ષોનાં બીજ મૂક્યા છે. પતંગ કપાઈને જમીન પર પડતાં આપમેળે જમીનમાંથી વૃક્ષ ઊગી નીકળે છે.