બે વર્ષમાં વિવિધ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના નબળા દેખાવ બાદ આખરે મોદી કેબિનેટનું વિસ્તરણ કરવા નિર્ણય કરાયો છે. હવે મંત્રી મંડળમાં વધુ 25 ચહેર દેખાય તેવી પ્રબળ શકયતા છે. બુધવાસે સાંજે આ નવા ચહેરાને મંત્રી મંડળમાં સ્થાન આપી કાર્યભાર સોંપાશે. આ વખતે પણ શુભમુહૂર્તની ઘ્યાન રખાયું છે. બુધવારે સાંજે 5:30 થી 6:30 વાગ્યા દરમિયાન સર્વાર્થ સિદ્ધયોગ હોવાથી આ સમયે જ શપથવિધિ પણ કરાશે. મોદી પહેલાથી જ મુહૂર્તને મહત્ન આપતા રહ્યા છે. માન્યતા મુજબ સર્વાર્થ સિદ્ધ યોગમાં જે કાર્યની શરૃઆત કરવામાં આવે તેને ચોક્કસ સફળતા મળતી હોય છે. હવે કેબિનેટમાં દલીત, આદિવાસી, OBC વર્ગ અને પછાત ક્ષેત્રોના જમીની સ્તરે જોડાયેલા નેતાઓને સમાવેશ કરાશે.
આ અંગે લાંબી મથામણ અને સંશોધન તથા તારણો પછી નવા મંત્રીઓની પસંદગી કરી લેવાઈ છે. સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી શરૂ થાય તે પહેલા નવા મંત્રીઓ તેમના મંત્રાલયોને ચાર્જ સંભાળી લેશે. હવે 2024 પહેલાં મંત્રી મંડળનું વિસ્તરણ કરવા પાછળ કેટલાક મહત્વના કારણો પણ બહાર આવ્યા છે. કોરોનાની બીજી લહેરમાં દેશમાં પ્રવર્તેલી અવ્યવ્થાને કારણે સરકારના મિસ મેનેજમેન્ટની ભારે નિંદા થઈ છે. આ ઉપરાંત વહિવટીતંત્રમાં છાશવારે લાલિયાવાડીના કિસ્સા બહાર આવી રહ્યા છે. સ્માર્ટ સિટી, કેશલેસ ઈકોનોમી સહિતના અનેક પ્રોજેક્ટની જનમાનસ પર અશર વર્તાઈ રહી નથી. ઈકોનોમીમાં ઘટાડો નોંધાયો છે. જયારે પેટ્રોલ-ડીઝલના ભાવોથી સરકાર સામે વ્યાપક નારાજગી ફેલાઈ રહી છે.
રોજગારીની તક ઘટી રહી છે અને ખાવા-પીવાની ચીજોના ભાવ વધી રહ્યાં છે, તેનાથી પણ લોકો નિરાશ છે. આ ઉપરાતં કેબિનેટમાં જાતીય અને ક્ષેત્રીય પ્રતિનિધિત્વની બાબતને ધ્યાનમાં રાખી આગામી ચૂંટણીમાં ફાયદો લેવાનો પણ આશય મંત્રી મંડળના વિસ્તરણ પાછળ છે. જો સાંસદોમાંથી યોગ્ય લોકોને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે તો વધુ સારી રીતે કામ કરી શકાશે તેમ મોદીનું માનવું છે. આ ઉપરાંત પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં હાલ રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. ક્ષેત્રીય અને જાતિય ગણિતને આધારે નેતાઓને કેબિનેટમાં સામેલ કરવાથી ભાજપની રાજકીય તાકાત વધશે.