ફિલીપાઇન્સમાં રવિવારે સૈન્યનું એક વિમાન અકસ્માતે તૂટી પડતાં ભારે દોડધામ મચી ગઈ હતી. મીડિયાના અહેવાલો પ્રમાણે ફીલીપાઈન્સમાં સૈન્યનું એક વિમાન ક્રેશ થતા જાનહાનીની આશંકા છે. જો કે, હજૂ સુધી કેટલા મોત થયા તેની પૃષ્ટિ થઈ નથી. અકસ્માતગ્રસ્ત વિમાનમાં 85 જવાનો-યાત્રાળુ સવાર હતા. ફિલીપાઇન્સના સૈન્ય પ્રમુખ સિરિલિટો સોબેજનાએ મીડિયા સમક્ષ કહ્યું હતુ કે, આ અકસ્માત દક્ષિણ ફિલીપાઇન્સ વિસ્તારમાં થયો છે. આ ઘટનામાં ફિલીપાઇન્સની વાયુસેના (PAF)ના એક C-130 નામનુ વિમાન અકસ્માતનો ભોગ બન્યું છે. વિમાન તૂટી પડ્યું તે સમયે તેમાં 85 લોકો મુસાફરી કરી રહ્યા હતા. રવિવારે સવારે ફિલીપાઇન્સની વાયુસેના (PAF)ના એક C-130 નામના વિમાને ઉડાન ભરી હતી. જે બાદ થોડા સમયમાં જ પાટીકુલ સુલૂની પાસે આ વિમાન ક્રેશ થઈ ગયું હતુ.
વિમાન જ્યારે સુલૂ પ્રાંતમાં જિલો દ્વીપ પર ઉતરાણ કરી રહ્યું હતુ ત્યારે તેમાં એકાએક આગ લાગી હતી. ફિલિપાઇન્સના આ આઇલેન્ડ પર મુસ્લિમ વસ્તી વધું છે. અને અહીં મોટી સંખ્યામાં સૈનિકો તહેનાત રહે છે. વિમાન તૂટી પડવાની ઘટના બાદ પાયલટે તેને ઉતરાણ કરવાનો પ્રયત્ન જારી કર્યો છે. આમ છતાં વિમાન જમીન ઉપર પડ્યા બાદ ધડાકા સાથે તેમાં આગ ફાટી નીકળી હતી. વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર મળતા જ સ્થળ પર પહોંચેલા અધિકારીઓએ ફાયરબ્રિગેડના જવાનોની મદદથી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરુ કરી દીધા હતા. સુત્રોના જણાવ્યા મુજબ આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાંથી અત્યાર સુધીમાં 40 લોકોને જીવીત બહાર કઢાયા છે. હજી પણ રેસ્કયૂ ઓપરેશન ચાલુ છે. વિમાનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી. યાત્રા કરી રહેલા જવાનોએ હાલમાં જ બેઝિક મિલિટ્રી ટ્રેનિંગ લીધી હતી. આ જવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે જાણીતા આઇલેન્ડ્સ પર ફરજ પર નિમણૂક અપાઈ હતી.