ભારતની સ્પેસ એજન્સી ઈસરો ફેબ્રુઆરીના અંત મહિનામાં પ્રથમ ખાનગી સેટેલાઈટ મોકલવા માટે મદદ કરી રહ્યું છે. સતીશ ધવન નામના સેટેલાઈટમાં ભગવદ ગીતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ફોટા સહિત 25000 ભારતીય વિદ્યાર્થી અને અન્ય લોકોના નામ અંતરિક્ષમાં પહોંચી જશે. ઈસરો તેના PSLV C-51 અને બીજા બે પ્રાઈવેટ ઉપગ્રહો સાથે જ આ સેટેલાઈટને મોકલશે. પહેલા મિશનમાં 28 ફેબ્રુઆરીએ બ્રાઝીલના ઉપગ્રહ એમેઝીયા-1 અને ત્રણે ભારતીય પેલોડને લોન્ચ કરવાનું લક્ષ્ય રખાયું છે. કુલ પેલોડ પૈકી એક પેલોડ ભારતીય સ્ટાર્ટએપ દ્વારા બનાવાયું છે. મળતી વિગતો મુજબ ખાનગી સેટેલાઈટને ચેન્નાઈ નજીકના શ્રી હરિકોટા સ્પેસપોર્ટ પરથી સવારે 10.24 કલાકે પોલર સેટેલાઈટ લોન્ચ વેહીકલ C-51ના માધ્યમથી લોન્ચિંગ કરાશે.
મીડિયાના અહેવાલો પ્રમાણે સ્પેસકિડ્ઝ ઈન્ડિયાના સંસ્થાપક અને સીઈઓ ડોશ્રીમથિ કેસને કહ્યું છે કે આ વખતે સેટેલાઈટ મોકલવાની પ્રક્રિયા સાથે ટીમમાં ઘણો ઉત્સાહ વર્તાય રહ્યો છે. અંતરિક્ષમાં જનારો તેમનો પહેલો ઉપગ્રહ હોવાથી ઉત્સુકા વધુ છે. મિશનને અંતિમ તબક્કે અમે લોકોને તેમના નામ અંતરિક્ષમાં મોકલવા માટે કહ્યું હતુ. જે બાદ અઠવાડિયામાં જ 25000 લોકોએ તેના નામ અંતરિક્ષમાં મોકલવા માટે અમને વિનંતી કરી હતી. આશ્ચર્યજનક વાત તો એ છે કે, આ નામોમાંથી 1000 નામ ભારત બહારના લોકોના છે. સેટેલાઈટમાં ભગવદ ગીતા અને નરેન્દ્ર મોદીનો ફોટો પણ મોકલવાશે. દુનિયાના અન્ય દેશના સ્પેસ મિશનમાં આ પ્રકારે નામ કે ચીજવસ્તુ લઈ જવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જે પોતાની સાથે બાઈબલ લઈને જાય છે. તેને ધ્યાનમાં લઈને ભારતના સેટેલાઈટમાં પણ નામ અને પુસ્તક મોકલવાનું વિચારાયું છે. આ સેટેલાઈટમાં ઈસરો તરફથી ઘણા બદલાવ કરાયા છે. આ નેનોસેટેલાઈટનું નામ ભારતના અંતરિક્ષ કાર્યક્રમના સંસ્થાપકોમાંથી એક નામે રખાયું છે.