ગુજરાત ભાજપમાં પાર્ટી અધ્યક્ષ પાટીલ તથા સીએમ રુપાણી વચ્ચે ઘણાં સમયથી તાલમેલ ન હોવાનુ ચર્ચાતુ રહ્યું છે. એક મહિના પહેલાં જ સુરતમાં રેમડેસિવિર ઈન્જેક્શનની વહેંચણી ભાજપ દ્વારા કરાઈ હતી. આ કાર્યક્રમથી વિવાદ વધતા મીડિયાએ મુખ્યમંત્રીને સવાલો પુછી નાંખ્યા હતા. આ સમયે રુપાણીએ સી.આર.ને જ આ સવાલનો જવાબ પૂછો તેવું કહી દીધું હતુ.
આ ઉપરાંત અનેક વખતે ગુજરાત ભાજપ સંગઠન અને સરકાર વચ્ચે ખાસ સંકલન ન હોવાનું છતુ થઈ રહ્યું છે. હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ @BJP4Gujarat છેલ્લા લાંબા સમયથી @CMOguj કે @Vijayrupanibjpની પોસ્ટ, ઈવેન્ટ કે લાઈવને ટ્વિટ કે રિટ્વિટ કરી રહ્યું નથી. આ બાબત ફરીએકવાર ગુજરાત ભાજપમાં બધુ સમુસુતરુ ચાલી રહ્યુ નથી તેવા સંકેતો આપી રહી છે. છેલ્લે વિજય રૂપાણીએ વેક્સિન લીધી ત્યારે એટલે કે, સવા મહિના પહેલાં પાર્ટીએ રુપાણીને લાઈક કર્યું હતુ.
બીજી તરફ રુપાણીના ખાસ એક અધિકારીને પણ સીઆર પાટીલે પોતાની તરફે કરી લાધાનું ચર્ચામાં છે. 2005ની બેચના IAS અધિકારી બંચ્છા નિધિ પાનીને સુરતમાં વકરેલી કોરોનાને સ્થિતિને થાળે પાડવા સપ્ટેમ્બર 2019માં રાજકોટથી સુરત મુકાયા હતા. અહીં તેમને મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. આમ તો આ અધિકારી રુપાણીની ગુડબુકમાં ગણાતા હતા. પરંતુ હવે તે સીઆરપાટીલ સાથે સારો સબધ ધરાવે છે. બંચ્છા નિધિ પાની રુપાણીના ખાસ વિશ્વાસુ ગણાતા હતા. પરંતુ સુરત ગયા બાદ ચાલી રહેલી ચર્ચા મુજબ પાટિલે તેમને પોતાની છાવણીમાં લઈ લીધા છે. કહેવાય છે કે આ અધિકારી હવે રુપાણીને બદલે પાટીલના ખાસ થઈ ગયા છે. હાલમાં ગુજરાતના આ બે ટોચના નેતાઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હોવાથી કેટલાક અધિકારીઓ પણ ફાયદા માટે સક્રિય થયા છે. બંચ્છા નિધિ પાની પણ આ સંજોગોમાં પોતાને કોઈ રીતે નુકસાન થાય તેમ ઈચ્છતા નથી. સુરતમાં કામ કરવું હોય તે તેને માટે ભાજપ અધ્યક્ષને સાચવવું મહત્વનું બન્યું છે.