નવી મુંબઈમાં જ્વેલરી શોપમાં થયેલી કરોડોની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ કેસની તપાસમાં બહાર આવેલી વિગતોથી પોલીસ પણ ચોકી ઉઠી હતી. નવી મુંબઈમાં એકદમ ફિલ્મી અંદાજમાં એક જ્વેલરીની દુકાનમાંથી કરોડો રૂપિયાની ચોરી થઈ હતી. આ ઘટના બાદ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આદરીને બે તસ્કરને પકડી પાડ્યા હતા. જેઓની કબૂલાતથી પોલીસ અંચબિત થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ કરોડોની ચોરી કરતા પહેલાં ચોરોએ તે જવેલર્સની બાજુમાં જ એક દુકાન ભાડે લીધી હતી. તે પછી બંને દુકાનની વચ્ચે તેઓએ દીવાલમાં ડ્રિલીંગ મશીનની મદદથી કાણું પાડવાનું શરૃ કર્યું હતુ.
આખરે તકનો લાભ લઈને આ તસ્કરોએ જ્વેલરીની દુકાનમાં ધાપ મારી હતી. જેમાં કરોડો રૃપિયાના દરદાગીના ઉઠાવી જવાયા હતા. આ ચોરીની મોડેસ ઓપરેન્ડી નવાઈ પમાડે તેવી છે. પકડાયેલા ચોર ઝારખંડનો રહેવાસી છે. પોલીસે રાહુલ અને તેના એક મિત્ર સાહેબ અકબર શૈખ અંગે સૂચના મળી તો પોલીસે કેટલીક જ્વેલરી સાથે આ બંનેને પોતાની કસ્ટડીમાં લઈ લીધા હતા. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતુ કે, ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલાં તેઓએ વર્તક નગરના પોખરણ રોડ પર આવેલી વરિમાતા જ્વેલરી શોપ પર કેટલાંક દિવસો સુધી નજર રાખી હતી.
આ સમયે તેમને જ્વેલરી શોપની બાજુવાળી દુકાન ખાલી હોવાનું જાણવા મળ્યું હતુ. આખરે આ ભેજાબાજોએ તે ખાલી દુકાનના માલિકનો સંપર્ક કર્યો અને તેમની પાસેથી તે દુકાન ભાડે લીધી હતી. દુકાન ભાડે લીધા બાદ તસ્કરોએ ચોરી કરવા માટે ઉપયોગી ગેસ કટર સહિતના સાધનો તેમા તબકકાવાર ખડકી દીધા હતા. આ સાથે જ જ્વેલરી દુકાનના ટાઈમિંગ પર નજર રાખવાનું શરૃ કરાયું હતુ. જેમાં દુકાન કયા દિવસે બંધ રહે છે કેટલો સમય બંધ રહે છે તેવી માહિતી મેળવાઈ હતી. જે બાદ કુલ રકમ 1.37 કરોડ રૂપિયાની મતા ચોરી કરવામાં તેઓને સફળતા મળી હતી. પોલીસની પૂછપરછમાં બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. જો કે, આ કેસમાં તેના બીજા ચાર સાગરિતો પણ સામેલ છે, તેથી તેઓને પકડવાની દીશામાં પોલીસ કવાયત કરી રહી છે.