મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલિત સર પી. પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. આશિષ શુક્લ તથા એસોસિયેટ પ્રોફેસર ડો. પી. પી. ડોડીયાના માર્ગદર્શન હેઠળ દેવાંશી ત્રિવેદીએ શહેરના વિક્ટોરિયા પાર્ક રિઝર્વ ફોરેસ્ટમાં રહેલ પતંગિયાની જૈવવિવિધતાની નોંધણી કરતું સંશોધન પત્ર આંતરરાષ્ટ્રીય જર્નલ Notulae Scientia Biologicae માં પ્રકાશિત કરેલ છે. આ સમગ્ર સંશોધન જાણીતા પક્ષીવિદ અને પર્યાવરણવિદ ડો. બી. એમ. પરાશાર્યની દેખરેખ હેઠળ 2018 થી 2019 દરમિયાન કરવામાં આવેલ હતી. આ સંશોધનપત્ર તૈયાર કરવામાં પ્રાણીશાસ્ત્ર વિભાગના રિસર્ચ સ્કોલર વિશાલ મકવાણાએ પણ યોગદાન આપેલ છે. ભાવનગર શહેરની મધ્યમાં આવેલ આરક્ષિત વન વિસ્તાર કે જે વિક્ટોરિયા નેચર પાર્ક તરીકે પ્રસિદ્ધ છે તેમાં 69 જાતિના પતંગિયાઓ વસવાટ અને વૃદ્ધિ કરતા નોંધાયા છે. સમગ્ર વર્ષ દરમિયાન પાંચ કુળની 45 પ્રજાતિમાં વહેંચાયેલી 69 જાતિ આ સંશોધન પત્રમાં નોંધવામાં આવી છે. સૌથી વધુ જાતિઓ સપ્ટેમ્બર મહિનામાં નોંધાયેલ કે જે પતંગિયાના પ્રજનન અને ખોરાક માટે સૌથી વધુ અનુકૂલિત સમય સૂચિત કરે છે જ્યારે સૌથી ઓછી જાતિઓ મે મહિનામાં નોંધાયેલ કે જે પતંગિયા માટે ખોરાક ની અછત અને પ્રતિકૂળ આબોહવા સાથે સંકળાયેલ છે. ભાવનગર અને તેની આસપાસના વિસ્તારોમાં પતંગિયા સાથે સંકળાયેલું આ સંશોધન પત્ર આશરે 92 વર્ષ પછી પ્રકાશિત થયું છે, આ પહેલા કાઠિયાવાડના પતંગિયા અને ફૂદા પર ઇ.સ. 1929 માં અંગ્રેજ સંશોધક Mosse દ્વારા સંશોધન પત્ર પ્રકાશિત કરવામાં આવેલ હતું. પતંગિયા નિવસનતંત્રના અગત્યના ઘટકો છે અને તેનો સમાવેશ પ્રાણીસૃષ્ટિના કીટક વર્ગમાં થાય છે. સમગ્ર સંશોધન પત્ર અને વધુ વિગતો આપેલ લિંક પર જોઈ શકો છો.