સુરતની એક દસમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીને પેટમાં દુઃખતા ડોક્ટરની પાસે લઇ જવાઇ હતી. જો કે તબીબે તપાસ કરતાં જ પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી અને પોલીસને જાણ કરી હતી. એ બાદ આખું રહસ્ય બહાર આવ્યું હતું. ધોરણ 10માં ભણતી કતારગામ વિસ્તારની એક 15 વર્ષની સગીરાને પેટમાં દુઃખતાં તેનો પરિવાર તેને ડોક્ટર પાસે લઇ ગયો હતો. તબીબે તેની તપાસ કરતાં તે બે માસની ગર્ભવતી હોવાનું જણાતા વાલીઓને જાણ કરી હતી. એ સાથે જ કતારગામ પોલીસને જાણ કરી હતી. એ બાદ જણાયું હતું કે એક 22 વર્ષના યશ નામનો યુવાન સોશ્યલ મીડિયા થકી આ સગીરાના સંપર્કમાં આવ્યો હતો. એ બાદ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રેમજાળમાં સગીરા ફસાઇ ગયા બાદ યશ તેને બાઇક પર બેસાડીને વસ્તાદેવી રોડ પર આવેલા મિત્રના ઘરે લઇ ગયો હતો. ત્યાં તેને મીઠી મીઠી વાતો કરીને ફસાવીને તેની સાથે મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કર્યું હતું. બે વખતના દુષ્કર્મને કારણે સગીરા ગર્ભવતી થઇ ગઇ હતી. ગર્ભવતી થવાને કારણે પેટમાં દુઃખતા વાલીઓ સગીરાને તબીબ પાસે લઇ ગયા હતા, જ્યાં પેટમાં દુખવાનું સાચું કારણ જણાતા મામલો કતારગામ પોલીસ પાસે પહોંચ્યો હતો. પોલીસે સગીરાની પૂછપરછ કરતાં યશનો ભાંડો ફૂટી ગયો હતો. કતારગામ પોલીસે યશ સામે પોસ્કો, દુષ્કર્મ અને અપહરણની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. યશને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. હવે તેની સામે પોસ્કો હેઠળ કામ ચાલશે.