નવા વર્ષનો સૂર્યોદય નવી આશા અને નવા ઉમંગ સાથે થઇ ચૂક્યો છે. લોકો ધીમે ધીમે પોતાના રૂટીનમાં ગોઠવાઇ રહ્યા છે. હા, ગોઠવાઇ જ જાય ને! એમાં ખોટું શું છે? વળી,સાથોસાથ નવા જૂના સંશોધનો પર નજર પણ નાખી રહ્યા છે અને પોતાને નવી નવી વાતથી અપડેટ પણ કરી રહ્યા છે. હાલમાં જ એક નવી વાત ધ્યાનમાં આવી.વાત જાણે એમ છે કે ચંદ્ર આશરે 1000 વર્ષ પહેલાં આકાશમાંથી ગાયબ થઈ ગયો હતો! તમે સાચું વાંચ્યું છે,સન 1110 માં, એક રાત માટે ચંદ્ર અદૃશ્ય થઈ ગયોહતો. આ ઇતિહાસનો પ્રથમ કિસ્સો અનોખો હતો. છે ને આશ્ચર્ય પામવા જેવી વાત? આમ તો તે સમયથી જ વૈજ્ઞાનિકો આ રીતે અચાનક ચંદ્ર અદૃશ્ય થવાના કારણની તપાસ કરી રહ્યા હતા. અગાઉ એવું કહેવામાં આવતું હતું કે સન 1104 માં જ્વાળામુખી ફાટયા પછી બહાર આવેલા અગ્નિ અને અન્ય પદાર્થોને કારણે આવું બન્યું હશે, પરંતુ તાજેતરમાં વૈજ્ઞાનિકોએ તેના વિશે એક નવો ખુલાસો કર્યો છે.આમ તો તે દિવસે રોજ થતા સૂર્યોદયની જેમ જ સૂર્ય દર્શન સૌએ કર્યા હતા. સૌ પોતાના રૂટિનમાં મસ્ત હતા. પણ તે રાત્રિનું ચંદ્ર દર્શન રૂટિન ન હતું. લોકોએ ચંદ્રને લગતી આ વિચિત્ર ઘટના વિશે પણ લખ્યું છે, જે આજ સુધી રેકર્ડ તરીકે સચવાયેલું પણ છે. એક અંગ્રેજે આ વિશે લખ્યું છે – “મે મહિનાની પાંચમી રાત્રે, ચંદ્ર સાંજે દેખાઈ રહ્યો હતો, પછી ધીરે ધીરે તેનો પ્રકાશ અદ્રશ્ય થવા લાગ્યો અને રાત પડતાંની સાથે, ન તો ચંદ્ર દેખાયો, ન તેનો પ્રકાશ દેખાયો.” પ્રાચીન ઇતિહાસકારોએ તેમની નોંધમાં લખ્યું છે કે જ્યારે તે રાત્રે ચંદ્ર અદૃશ્ય થઈ ગયો હતો, ત્યારે આકાશમાંનું બધું પહેલા જેવું હતું, તારાઓ ચમકતા હતા પરંતુ માત્ર ચંદ્ર અદૃશ્ય થઈ ગયો હતો. લોકોએ અનુમાન લગાવ્યું હતું કે આ ચંદ્રગ્રહણ હોય શકે છે, પરંતુ વૈજ્ઞાનિકોના મત મુજબ સામાન્ય રીતે ચંદ્રગ્રહણમાં પ્રકાશ પણ જોવા મળે છે. પણ તે દિવસે તો આકાશમાંથી ચંદ્ર અદૃશ્ય જ થઈ ગયો અને પછી તે થોડા સમય પછી દેખાવા લાગ્યો હતો. વૈજ્ઞાનિકોએ આ અંગે સંશોધન કર્યું અને તેઓએ જોયંત કે દક્ષિણ આઇસલેન્ડમાં હેકલા નામનો જ્વાળામુખી હતો જે ‘ગેટ વે ટૂ હેલ’ તરીકે પણ જાણીતો હતો., તે જ્વાળામુખી ફાટ્યો અને તેમાંથી સલ્ફ્યુરિક ગેસ બહાર આવ્યો. આ ગેસ ઘણા દિવસો સુધી આકાશમાં રહ્યો અને તેથી તે સમયે લાગ્યું હશે કે ચંદ્ર ગાયબ થઈ ગયો છે. ગ્રીનલેન્ડ આઇસના વૈજ્ઞાનિકોને તે સમયે પરીક્ષણ કરતા તેમાંથી સલ્ફર કણો જણાયા હતા. આના પરથી વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે ચંદ્ર આ રીતે અદૃશ્ય થઈ ગયો હશે. પરંતુ તાજેતરમાં આ સિદ્ધાંતને નકારી કાઢવામાં આવ્યો છે.વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, જે વર્ષે ચંદ્ર ગાયબ થયો, તે વર્ષે જ્વાળામુખી ફાટ્યો હતો જ નહીં. આવી સ્થિતિમાં લોકોએ એલિયન વિશે વાત વિચારી, પરંતુ એલિયન થિયરી પણ નકારાઇ હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે જાપાનના માઉન્ટ આસમા ખાતે ચંદ્રના અદ્રશ્ય થવાના બે વર્ષ પહેલાં જ્વાળામુખી ફાટ્યો હતો, જેના ગેસથી ચંદ્ર અદૃશ્ય થઈ ગયો હતો. તે સમયે એક જાપાની વ્યક્તિનો રેકોર્ડ છે.અલબત્ત, હજી આ વિશે કોઈ ચેક્કસ ધરોહર માહિતી મળી નથી, પણ વૈજ્ઞાનિકો તો જાપાનના જ્વાળામુખીને જ ચંદ્રના ગાયબ થવા પાછળનું કારણ માને છે.