મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અમદાવાદના દસ્ક્રોઈમાં રુ. ૧૦૩૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર સેન્ટર ઓફ એક્સલન્સ અને પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરનું ઇ-ખાતમુહૂર્ત કરાશે. અમદાવાદ જિલ્લા પ્રભારી અને રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અમદાવાદ ખાતે ઉપસ્થિતિ રહી હતી.
અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, અમદાવાદ જિલ્લાના કુલ ૨.૨૮ લાખ ખેડૂતોને ર૩૭૬.૧૦ કરોડની માતબર રકમની સહાય ચૂકવાઈ છે. ગુજરાત દ્વારા ખેત પદ્ધતિ ક્ષેત્રે ઉત્તરોત્તર વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને નેનો યુરિયા, ડ્રોન પદ્ધતિથી ખેતી જેવી પહેલ પણ હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાનનરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષે દેશમાં જીડીપી ૧૩.૫ % એ પહોંચ્યો છે. તેમાં ૪.૫ ટકા જેટલું કૃષિનું અભૂતપૂર્વ યોગદાન રહેલ હોવાનું મંત્રીએ કહ્યું હતું.
વડાપ્રધાન એ જગતના તાતની ચિંતા કરીને ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે સામંતશાહી અને વ્યાજખોરોથી ખેડૂતોને બચાવી ખેડ, ખાતર અને બિયારણ માટે કિસાન સન્માન નિધિ દ્વારા વર્ષે ૬૦૦૦ રૂપિયાની નાણાકીય સહાય ડીબીટી મારફતે સીધા ખાતામાં ચૂકવવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. જેના અંતર્ગત અમદાવાદ જિલ્લાના કુલ ૨.૨૮ લાખ ખેડૂતોને ₹૩૭૬.૧૦ કરોડની માતબર રકમની સહાય ચૂકવવામાં આવી છે.
અમદાવાદમાં નિર્માણ પામનારા સેન્ટર ઓફ એક્સેલન્સ થકી જિલ્લામાં રક્ષિત ખેતી, ટપક સિંચાઈ પધ્ધતિ, ફર્ટીગેશન તથા અધ્યતન ધરૂ ઉછેર દ્વારા ખેડુતોની આવક બમણી કરવાનો પ્રયત્નો કરવામાં આવશે. તેમ જણાવી સેન્ટર ઓફ એક્સેલન્સ અધ્યતન પ્રકારની ટેક્નોલોજી ખેડુતો સુધી વિસ્તરણ કરવામાં ઉપયોગી બની રહેશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.