મધ્યપ્રદેશના રતલામમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં 7 લોકોના કરૂણ મોત થયા. આ અકસ્માતમાં 11 લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. સમગ્ર અકસ્માત અંગે પોલીસે ટ્રક ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધ્યો છે. રતલામના એસપી અભિષેક તિવારીએ જણાવ્યું કે રતલામ નજીક હાઈવે પર સત્રુંડા વિસ્તારમાં એક ટ્રક અચાનક બેકાબૂ થઈ ગઈ. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે હાઇવે પર તેજ ઝડપે દોડી રહેલી ટ્રકનું ટાયર ફાટ્યું, ત્યારપછી તે બેકાબૂ થઈને લોકોની ભીડમાં ઘુસી ગઈ.
ટ્રક ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી : સત્રુંડા વિસ્તારની આસપાસ મોટી સંખ્યામાં ગામો આવેલા છે. તમામ પેસેન્જર બસો અહીં હાઈવે પર ઉભી રહે છે, જેથી લોકોની ભારે ભીડ હોય છે. રોડ સાઈડના ડિવાઈડર પર ઘણા લોકો ઉભા હતા. આ દરમિયાન ટ્રક ડિવાઈડર પર ચઢી ગઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 11 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી બેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રતલામ કલેક્ટર નરેન્દ્ર સૂર્યવંશી અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની તપાસ કરી. એસપી અભિષેક તિવારીએ જણાવ્યું કે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.