જાણીતા ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની વયે અવસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે સવારે તેઓ જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા ત્યારે તેમનું નિધન થયું. સિદ્ધાંતને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. ડોક્ટરોએ સિદ્ધાંતને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગયા. રાજુ શ્રીવાસ્તવ અને દિપેશ ભાન પછી આ ત્રીજું મૃત્યુ છે, જે જિમમાં વર્કઆઉટ કરતી વખતે અભિનેતા સાથે થયું છે.
અભિનેતા ‘કુસુમ’, ‘વારિસ’ અને ‘સૂર્યપુત્ર કરણ’ સિરિયલો માટે ખૂબ જ પ્રખ્યાત છે. ટીવી એક્ટર જય ભાનુશાળીએ ફેન્સને આ દુઃખદ સમાચાર આપ્યા છે. સિદ્ધાંત વીરના પરિવારમાં પત્ની એલિસિયા રાઉત અને બે બાળકો છે. સિદ્ધાંત ફિટનેસને લઈને ખૂબ જ સતર્ક હતો.
સિદ્ધાંત વીરનો ફોટો શેર કરતા જય ભાનુશાલીએ લખ્યું, ‘ભાઈ, તમે બહુ જલ્દીથી નીકળી ગયા.’ મીડિયા સાથેની વાતચીતમાં જય ભાનુશાળીએ સિદ્ધાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે મને આ સમાચાર એક કોમન ફ્રેન્ડ પાસેથી મળ્યા છે. જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેનું મૃત્યુ થયું હતું.
સિદ્ધાંત વીર સૂર્યવંશીએ પોતાની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી. તેઓ આનંદ સૂર્યવંશી તરીકે પણ જાણીતા હતા. તેણે ટીવી સિરિયલ ‘કુસુમ’થી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય સિદ્ધાંત વીર સૂર્યવંશીએ ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું હતું. ‘કસૌટી ઝિંદગી કી’, ‘કૃષ્ણ અર્જુન’, ‘ક્યા દિલ મેં હૈ’થી સિદ્ધાંત વીર સૂર્યવંશીએ પોતાની કારકિર્દીમાં ઉડાન ભરી હતી. તેમના છેલ્લા પ્રોજેક્ટ્સ ટીવી શો ‘ક્યૂં રિશ્તો મેં કટ્ટી બટ્ટી’ અને ‘ઝિદ્દી દિલ’ હતા.
સિદ્ધાંત વીર સૂર્યવંશીનું અંગત જીવન ખૂબ જ વિવાદાસ્પદ રહ્યું છે. અગાઉ તેણે ઈરા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 2015માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. બે વર્ષ પછી સિદ્ધાંત ફરીથી પ્રેમમાં પડ્યો. તેણે એલિસિયા પર તેનું દિલ આવ્યું. તેમને પ્રથમ લગ્નથી એક પુત્રી હતી. બીજા લગ્ન પછી તેમને એક પુત્ર થયો. સિદ્ધાંત અને એલિસિયા બંને બાળકોની સંભાળ એક સાથે રાખતા.