ગુજરાતમાં વધુ એક વિશ્વ કક્ષાના પ્રોજેક્ટ સ્થપવા કેન્દ્ર સરકારે તૈયારી દાખવી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેનપદે પીએમ મોદીની વરણી બાદ મંદિર પાસે સોમનાથના સમુદ્રમાં ટનલ બનાવવા 300 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કરાયો છે. પ્રોજેક્ટ સાકાર થયા બાદ દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળી શકાશે. આ પ્રોજેક્ટના પ્રવાસન ઉદ્યોગને લાભ થવાની આશા છે. મંદિર સંકુલનાં ભુર્ગભમાં વિવિધ સ્થળોએ થોડા દિવસો પહેલાં જ બાંધકામો હોવાના પુરાવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન બન્યા છે. કેશુભાઈ પટેલના નિધન બાદ ખાલી પડેલી સોમનાથ ટ્રસ્ટની ચેરમેનની બેઠક માટે સર્વાનુમતે મોદીની વરણી થઈ હતી. આ સમયે મંદિર સંકુલનાં ભુર્ગભમાં વિવિધ સ્થળોએ બાંધકામો હોવાના ગાંધીનગર આઇઆઇટીનાં રિપોર્ટને બેઠકમાં રજૂ કરાયો હતો.
આ સાથે અનેક વિકાસકામો હાથ ધરવા ચર્ચા વિચારણા થઈ હતી. તેમાં આ કાચની ટનલ બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. સોમનાથ નજીક સમુદ્રમાં કાચની ટનલ બનાવાશે. જેમાં જવાથી દરિયાઈ જીવ સૃષ્ટને જોઈ શકાશે. આ માટે રૂા. 300 કરોડ ફાળવવામાં આવશે. બીજા તબક્કામાં પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનાવવાનું આયોજન છે. જયાં પશુ-પક્ષી, વિવિધ સંપ્રદાય ધર્મ અને બાર જ્યોતિર્લિંગના ઓડીયો વીઝ્યુલનો પ્રોજેક્ટ હાથ ધરાશે. આ ઉપરાંત કેબલ બ્રિજ, વોટર સ્પોર્ટસ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધા સાથે ઘાટને સુંદર બનાવાશે. સોમનાથ ટ્રસ્ટ આગામી દિવસોમાં પાર્વતી મંદિર નિર્માણ કરી રહ્યું છે. સાથે યાત્રિ પ્લાઝા ઉપરાંત શહિદ હમીરજી ગોહિલ સર્કલથી સીધી લીટીમાં સોમનાથ મંદિર જોઇ શકાય એવી વ્યવસ્થા ઉભી કરશે. ટ્રસ્ટને આશા છે કે, આ પ્રોજેકટની મુલાકાતીઓની સંખ્યા વધશે. સાથે જ સોમનાથના પર્યટન ઉદ્યોગને લાભ થશે. આ ટનલમાં જઇ એક્વેરિયમની જેમ સોમનાથના દરિયાની અંદર પાણીની જીવસૃષ્ટિ નિહાળી શકશે.