કોરોના વાયરસની બીજી લહેર દોઢ મહિનાથી સમગ્ર વિશ્વમાં કેર વર્તાવી રહી છે. જેને કારણે માનવસમુદાય ફરી મુશ્કેલીમાં મુકાયો છે. આ સાથે જ દુનિયાના અનેક દેશોએ કોવીડની ગાઈડલાઈન અમલમાં મુકી છે. કેટલાક લોકો હજી પણ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. હાલમાં સ્પેઈનમાં એક વ્યક્તિની સંક્રમણ ફેલાવવાના આરોપસર ધરપકડ કરાઈ છે. પોલીસે આ આરોપીના નામનો કોઈ ખુલાસો કર્યો નથી. પણ એટલું કહ્યું હતું કે, આ કેસ મેજારકા સિટીનો છે. 40 વર્ષના યુવાન પર તેણે 22 લોકોને કોરોના વાયરસથી સંક્રમીત કર્યાનો ગંભીર આરોપ મુકાયો છે.
યુવાનને કેટલાક સમયથી ઉધરસ અને તાવ હતો. આમ છતાં તેણે નોકરીએ જવાનું ચાલુ રાખ્યું હતુ. આથી બિમાર યુવાને સાથે કામ કરતા 22 કર્મચારીઓને સંક્રમીત કરી દીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ યુવાન સાથે કામ કરનારા લોકોએ જ તેની સામે ફરિયાદ કરી હતી. તેમનો આરોપ એવો હતો કે, તેણે કામ દરમિયાન એમની નજીક આવીને પોતાનું માસ્ક ઊતારીને ઉધરસ ખાધી હતી. આ સાથે જ તે યુવાન કહેતો હતો કે, અન્યોને સંક્રમિત કરવા માટે તે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યો છે. આરોપીમાં ઘણા દિવસોથી કોરોનાના લક્ષણ દેખાઈ રહ્યા હતા. તેમ છતાં તેણે ઘરેથી કામ કરવાનો ઈન્કાર કર્યો હતા. અને તે સતત પોતાની ઓફિસે જઈ રહ્યો હતો.
એક દિવસ પરિવારના દબાણ બાદ સાંજે તે RTPCR ટેસ્ટ કરાવવા માટે ગયો હતો. જેનો રીપોર્ટ આવે એ પહેલા તે ઓફિસ અને જીમે જવા માંડ્યો હતો. ઓફિસમાં અન્ય કર્મચારીઓએ તે યુવાનને ઘરે જઈને આરામ કરવા સલાહ આપી હતી. પરંતુ આરોપી આરોપી માન્યો ન હતો. યુવાનની આ હરકત બાદ તેની સાથે કામ કરનારા પૈકી પાંચ કર્મચારી મિત્રો અને જીમ જનારા અન્ય ત્રણને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વધુમાં આ યુવાનની બેદરકારીને કારણે એનો પરિવાર તથા ત્રણ વર્ષના એક બાળક સહિત અન્ય 14 લોકો પણ કોરોનામાં સપડાયા છે.