પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ 16મી જૂને થિયેટરમાં રિલીઝ માટે તૈયાર છે. આ દિવસોમાં ફિલ્મની આખી ટીમ પ્રમોશનમાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે બુધવારે આ મેગા બજેટ ફિલ્મને ફિલ્મમેકર અભિષેક અગ્રવાલ તરફથી મોટી ભેટ મળી છે. ફિલ્મ નિર્માતાએ તેના સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે તે તેલંગાણામાં એનજીઓ અને વૃદ્ધાશ્રમોને 10,000 મફત ટિકિટનું વિતરણ કરશે.
ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આ ફિલ્મ માટે હવે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ફિલ્મ નિર્માતા અભિષેક અગ્રવાલ બાદ હવે બોલિવૂડના ‘રોકસ્ટાર’ રણબીર કપૂરે પણ ફિલ્મને સમર્થન આપ્યું છે. પ્રભાસ અને કૃતિની આ ફિલ્મ માટે રણબીર કપૂર પણ દસ હજાર ફ્રી ટિકિટનું વિતરણ કરવા જઈ રહ્યો છે. રણબીર કપૂર ઇચ્છે છે કે ‘રામાયણ’ પર આધારિત આ ફિલ્મ દરેક વ્યક્તિ જુએ. તેથી જ તે એનજીઓના બાળકોને ફિલ્મની દસ હજાર ટિકિટ મફતમાં વહેંચશે.
બુકિંગ ટૂંક સમયમાં શરૂ થશે-
16 જૂને રિલીઝ થનારી આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ આ વીકએન્ડથી શરૂ થવા જઈ રહ્યું છે. ‘આદિપુરુષ’ દેશની સૌથી મોટી ભારતની ફિલ્મ બનવા માટે તૈયાર છે. 500 કરોડના મેગા બજેટમાં બનેલી આ ફિલ્મની રિલીઝને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.
રણબીર-આલિયા પણ બનશે રામ અને સીતા-
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ નિતેશ તિવારીની ‘રામાયણ’માં રામ અને સીતાનું પાત્ર ભજવવા માટે તૈયાર છે. જો કે આ ફિલ્મને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. આ ફિલ્મમાં ‘KGF’ સ્ટાર યશ ‘રાવણ’ના રોલમાં જોવા મળી શકે છે.
બીજી તરફ જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર છેલ્લે હોળીના અવસરે રિલીઝ થયેલી ફિલ્મ ‘તુ ઝૂથી મેં મક્કર’માં જોવા મળ્યો હતો. હવે ઓગસ્ટમાં રિલીઝ થનારી ફિલ્મ ‘એનિમલ’માં અભિનેતા બોબી દેઓલ અને રશ્મિકા મંદન્ના સાથે જોવા મળશે.